(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૬
શહેરના લિંબાયત આબેડકરનગરમાં રહેતા પાંચ મિત્રો પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા તેમજ દેશની એકતા અને શાંતિ માટે આજે સવારે લિંબાયતના મારૂતિ નગર ખાતે આવેલ ભગત સિંહ ચોક ખાતેથી તિરંગા યાત્રા પર નીકળ્યા હતા. આ પાંચે મિત્રો બાઇક ઉપર સુરતથી અજમેર સ્થિત ખ્વાજા ગરીબ નવાઝની દરગાહ પર જઇ ત્યાં ચાદર ચઢાવશે અને શહીદોના આત્માની શાંતિ માટે દુઆ કરશે તેમજ માં વૈષ્ણવદેવી જઇને ત્યાં આરતી કરશે. ડીંડોલી વિસ્તારમાં રહેતા સાગર વેલડી તેમજ આબેડકર નગરમાં રહેતા જાવેદ શેખ, આરીફ મોહમ્મદ છીપા, દિલીપ અને નરેશ પેલી આ પાંચે મિત્રો આજે સવારે બાઇક ઉપર તિરંગા યાત્રા પર નિકળ્યા છે. તેઓ ભગતસિંહ ચોક ખાતે ભેગા થયા હતા. ત્યારે સ્થાનિક લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું અને તેમના યાત્રા સફળ થવા માટે દુઆ પણ કરી હતી. પાંચે મિત્રોએ જણાવ્યું હતું કે, પુલવામા શહીદોની આત્માના શાંતિ માટે તિરંગા યાત્રા પર જઇ રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ૧૮૦૦ કિલોમીટરથી વધુનું અંતર કાપી તેઓ ૧૨થી ૧૫ દિવસમાં સુરતથી અજમેર પહોંચશે અને ત્યાં દરગાહ ઉપર ચાદર ચઢાવી શહીદોની આત્માને શાંતિ માટે દુઆ કરશે, ત્યાર બાદ ત્યાંથી નીકળી તેઓ વૈષ્ણવદેવી મંદિર પહોંચશે જ્યાં આરતી કરશે.
સુરતના પાંચ મિત્રો અજમેર ખાતે ખ્વાજા ગરીબ નવાઝની દરગાહે ચાદર ચઢાવશે

Recent Comments