હજુ સુધી જોખમી કચરાનો નિકાલ થયો નથી
પ્રચંડ વિસ્ફોટ થઈ શકે તેવા જ્વલનશીલ પદાર્થનો સંગ્રહ થયો હોવાથી ભંગારિયાઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં તમામની ધરપકડ કરીને પોલીસે કાનુની કાર્યવાહી આટોપી લીધી છે, પરંતુ જીપીસીબીના અધિકારી આરએન પટેલે જોખમી વેસ્ટના નિકાલ માટે કોઈ પ્રક્રિયા હાથ ધરી નથી. જેથી આ વેસ્ટને દૂર કરવા ફરીથી ગ્રીન ટ્રીબ્યુનલના દ્વાર ખખડાવવામાં આવ્યા છે.

(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૨૧
પારડી કણદે સ્થિત બકરા મંડી સામે આવેલી કિંમતી જમીન પર જોખમી ભંગારનો સંગ્રહ કરીને માનવજીવન માટે ખતરારૂપ બની રહેલા ભંગારિયાઓ સામે કરવામાં આવેલી ફરિયાદ પરત ખેંચવા માટે પોલીસ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે, જેથી મુસ્લિમ બિઝનેશમેને ડીજી સુધી ફરિયાદ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગ કરી છે. સુરત સિટીમાં રહેતા શબ્બીર સોપારીવાલાએ પારડી કણદેસ્થિત સરવે નં.૨૯ વાળી જમીન ખરીદી હતી અને નિવૃત્તિની સમયકાળ દરમિયાન અહીં મકાન બનાવીને રહેવાનું પ્લાનિંગ કર્યુ ંહતું. પરંતુ તેમના પ્લોટને અડીને આવેલી ખુલ્લી જમીન પર ભંગારિયાઓ દ્વારા દબાણ કરી લેવામાં આવતા સમગ્ર જમીનમાં કેમિકલ વેસ્ટ ફેલાઈ ગયું હતું. આ મામલામાં કલેક્ટરથી માંડીને ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ સુધી ન્યાય માટે દોડી રહેલા શબ્બીરભાઈના પુત્ર વહાબ સોપારીવાલાએ ગ્રીન ટ્રીબ્યુનલમાં ફરિયાદ કરી એટલે દોડતા થયેલા જીપીસીબીના અધિકારીએ ભંગારિયાઓ સામે સચીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેની તપાસ સબ ઈન્સ્પેક્ટર અમિત જાનીને સોંપવામાં આવી હતી. ફરિયાદને આધારે જોખમી કેેમિકલનું સંગ્રહ કરનાર ઈઝહારઅલી સૈયદ (ગાયત્રી સોસાયટી, અડાજણ પાટિયા), હલીમ ખાન (અક્સાનગર, ઉન), દિલીપ મોર્યા, રાજેશ ચૌધરી, પપ્પુ ગૌતમ (સચીન), અબ્દુલ કલ્લુ કમાલ (તિરૂપતિનગર, ઉન) તેમજ રાજુ સિંઘ (આહિરવાસ, પારડી-કણદે)ની ધરપકડ કરી હતી. પરંતુ તેમની ધરપકડ બાદ જાનીએ ફરિયાદ પરત ખેંચવા ફરિયાદી પર દબાણ વધાર્યું હોવાથી જાની સામે ડીજીપી, પોલીસ કમિશનર સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે.