(સંવાદદાતા દ્વારા), સુરત તા.૮
સુરતના પીપલોદ વિસ્તારમાં રહેતા બિલ્ડરના બિલ્ડિંગના તમામ ફ્લેટો ખરીદી લીધા હોવાનું કહી બિલ્ડરને વિશ્વાસમાં લઇ તેના જ કેટલાક બિલ્ડર મિત્રોએ ૮૮ લાખ રૂપિયાની છેતરપિંડી કરતા આખરે મામલો ઉમરા પોલીસ મથકે પહોંચ્યો હતો. ઠગબાજ બિલ્ડર મિત્રોએ નવો પ્રોજેક્ટ બનાવવાનો અને ઓફિસ બનાવવાની વાતો કરીને તેની પાસેથી પૈસા પડાવી લેતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. આ કેસમાં ઉમરા પોલીસે બે મહિલા સહિત કુલ ૧૩ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના પીપલોદ વિસ્તારના પોલીસ લાઇનની પાસે સાંઇ સમર્થ રો.હાઉસમાં રહેતા મિતેશભાઇ કિશોરભાઇ ક્ન્સ્ટ્રક્શનનું કામ કરે છે. મિતેશભાઇને તેના બિલ્ડર મિત્રો મનોજ ઉર્ફે મનસુખભાઇ, રમેશ આંબલિયા, વિજય પ્રસાદ, અશોક પટેલ સહિતના મિત્રોએ વાત કરી હતી કે ઘોડદોડ રોડ ઉપર આવેલા તનિષ્કા શો-રૂમની બાજુમાં આવેલ નીલગંગા એપાર્ટમેન્ટ તેઓએ ખરીદી લીધું છે. તમામ ફ્લેટ ખરીદાઇ ગયા છે અને નવો પ્રોજેક્ટ બનાવીશું. તેમાં ઓફિસ પણ બનાવીશું તેમ કહી વિશ્વાસમાં લીધા હતા. બાદમાં ગતા તા.૮-૦૮-૨૦૧૫થી તા.૭-૦૧-૨૦૧૯ના સમયગાળા દરમિયાન મિતેશભાઇએ કુલ ૮૮ લાખ રૂપિયાની ચૂકવણી કરી દીધા હતા. જો કે, બાદમાં મિતેશભાઇને જાણ થઇ હતી કે તેની સાથે છેતરપિંડી થઇ છે. જેથી તેણે પૈસાની ઉઘરાણી શરૂ કરતા તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી આખરે મિતેશભાઇએ ગતરોજ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.