(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૧
શહેરના નવસારી બજાર ખાતે મહેન્દ્ર કે.ચોક્સી નામની દુકાન ધરાવતા ફાયનાન્સરની ત્રણ અજાણ્યા ઇસમોએ ફાયરિંગ કરી ધોળે દિવસે હત્યા કરીને ભાગી ગયા હોવાના બનાવને અઠવાડિયું થઇ ગયું હોવા છતાં પોલીસને એક જ રટણ છે. તપાસ ચાલી રહી છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર વેસુ ખાતે રહેતા ફાયનાન્સર મહેન્દ્ર શાહ ગત મંગળવારે બપોરના સમયે નવસારી બજાર વિસ્તારમાં આવેલ પોતાની દુકાનમાં બેઠેલા હતા. ત્યારે બાઇક ઉપર આવેલા ત્રણ અજાણ્યા ઇસમોએ દુકાનમાં ઘુસી તેમાં તેમના ઉપર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતારીને ભાગી ગયા હતા. આ ચકચારીત કેસમાં અઠવા પોલીસ સિવાય ડીસીબી પોલીસની ટીમ પણ તપાસમાં લાગી છે. અઠવા પોલીસની એક ટીમ રાજસ્થાન પણ જઇને આવી છે ત્યાં પણ કાંઇ હાથ લાગ્યું ન હતું. જ્યારે ડીસીબી પોલીસની એક ટીમ યુપીના મેરઠ ગઇ છે. છતાં અત્યાર સુધી પોલીસને મહત્વની કડી મળી નથી. પોલીસની ટીમો શહેરના જુદા જુદા વિસ્તારોમાં પણ તપાસ કરી રહી છે, અત્યાર સુધી ૨૫ જેટલા શકમંદોને પુછપરછ કરવામાં આવી છે. તેમની પાસેથી પણ ખાસ કઇ મળી શક્યું ન હતું.