(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨
સુરત શહેરના બમરોલી વડોદ રોડ પર સુરજ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલ ચિન્દીયા ગોડાઉનમાં આજે મળસ્કે સવા ત્રણ વાગ્યાના સુમારે અચાનક આગ લાગવાથી બાજુમાં આવેલ યાર્નનું આખુ ગોડાઉન બળી ગયું હતું. ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. ઉપરાંત કતારગામ જીઆઈડીસી સ્થિત ભુવનેશ્વરી ઈન્ડસ્ટ્રીઝમાં ગેસનો બાટલો લીક થતાં આગ લાગતા ઘરવખરીને નુકસાન થયું હતું.
ફાયર વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મળસ્કે સવા ત્રણ વાગ્યાના સુમારે બમરોલી-વડોદ રોડ પર આવેલી સુરજ ઈન્ડસ્ટ્રીઝમાં આગ લાગી હતી. ખુલ્લા ગોડાઉનમાં વેસ્ટેજ ચિન્ધીની આગને હવા લાગતા વધુ ભડકી હતી. આગની તીવ્રતા વધતા બાજુમાં બાજુમાં આવેલ યાર્નના ગોડાઉન સુધી આગ પ્રસરી હતી.ફાયર ઓફિસર ગાયકવાડના જણાવ્યા અનુસાર આગે ભીષણ સ્વરૂપ ધારણ કરતા ચાર સ્ટેશનથી ૧૦ થી ૧૨ ગાડીઓની મદદ લેવામાં આવી હતી. આગની જવાળાઓ ઉંચે સુધી ઉઠતા ગોડાઉનના પાછળના ભાગની દિવાલ તોડીને કુલીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આશરે ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. ચિન્ધીનું ગોડાઉન હરીલાલ બ્રીજલાલનું તેમજ યાર્નનું ગોડાઉન વિજય મિત્તલનું હોવાનું જાણવા મળ્યું છે. યાર્નનું ગોડાઉન સંપૂર્ણ બળી જતા મોટાપાયે નુકસાન થયું છે. કુલ કેટલુ નુકસાન થયું છે. તેની ગણતરી ચાલી રહી છે. ખુલ્લા પ્લોટમાં ચિન્ધીમાં ગોડાઉનમાં કોઈએ કચરો બાળતા તેના લીધે આગ લાગી હોવાનો પ્રાથમિક અનુમાન છે. વેસ્ટેજ અને ચિન્ધીને આગ લાગતા તે રબર બની જતા આગ વધુ ફેલાઈ હતી. સદ્‌નસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી.
બીજા બનાવમાં મળતી માહિતી મુજબ આજે સવારે નવ વાગ્યાના સુમારે એ.કે. રોડ ફૂલપાડા ખાતે આવેલ કતારગામ ભુનેશ્વરી ઈન્ડસ્ટ્રીઝમાં આગ લાગી હોવાનો મેસેજ મળતા ફાયર ઓફિસર ઠાકોર સ્ટાફ સાથે સ્થળ પર ગયા હતા. કારખાનાની ઉપરના માળે પર રહેતો હરપાલ યાદવ રસોઈ બનાવતો હતોતે સમયે સિલિન્ડર લીકેજ થવાથી આગ લાગી હતી. આગથી ઘરવખરી અને રસોઈનો સામાન સળગી ગયો હતો. આગથી કોઈ પણ પ્રકારની જાનહાનિ થઇ ન હતી. સમયસર ફાયર સ્ટાફ સ્થળ ઉપર આવી આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી.