(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૩
બીટકોઈન અંગે ૧૭ કરોડનો તોડ કરવાના મામલે સીબીઆઈ અને અમરેલી પોલીસ સામે સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ કરનાર સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટે નવા વીડિયો દ્વારા ભાગીદાર કિરીટ પાલડિયા ઈડી અને આઈટીમાં ફસાવી દેવાની ધમકી આપી રહ્યાં હોવાનો દાવો કર્યો છે.
સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટે બિટકોઈન મામલે ફરિયાદ કરતા તેના ભાગીદાર કિરીટ પાલડિયા દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. ભાગીદાર કિરીટ પાલડિયા દ્વારા દગો કર્યો હોવાના આક્ષેપ સાથે શૈલેષ ભટ્ટે વીડિયો વાયરલ કરીને જણાવ્યું હતું કે, તેને ભાગીદાર કિરીટ પાલડિયા દ્વારા આવક વેરા વિભાગ અને ઈડીમાં ફસાવી દેવાની ધમકી આપી રહ્યાં છે. ગતરોજ નેકસા કોઈનનો શૈલેષ ભટ્ટ દ્વારા ખુલાસો કરવામાં આવતા કિરીટ પાલડિયાએ ધમકીનો દોર શરૂ કર્યો હતો. બિટકોઇન જેવો જ નેકસા કોઈન કિરીટ પાલડિયાએ બજારમાં મૂક્યો હતો. નેકસાના ૯ કરોડ કોઈન બજારમાં મૂકીને ૨૦૦૦ કરોડમાં ઉઠમણું કરવાની યોજના પાલડિયાએ ગોઠવી છે નેકસાન કોઈનની વિદેશમાં બોગસ રજિસ્ટ્રેશન કરાવીને તેની લેવડ દેવડના તમામ વ્યવહાર કિરીટ પાલડિયાએ પોતાના લેપટોપમાં રાખ્યા છે. નેકસા કોઈનમાં રત્નકલાકાર, મજદુર વર્ગ અને નાના માણસો પાસેથી પાલડિયા કંપનીએ રોકાણ કરાવડાવ્યું છે. ગરીબોના રૂપિયા લઈ પાલડિયા ગમે ત્યારે રફુચક્કર થઈ જશે. શૈલેષભટ્ટ દ્વારા નેકસા કોઈન દ્વારા કિરીટ પાલડિયાને ખુલાસો કરવામાં આવતા આજે તેને આઈટી અને ઈડીની ધમકીઓ મળી રહી છે. આગામી દિવસોમાં બિટકોઈન મામલે પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.