(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૯
બોરિયાચ ટોલ નાકા નજીકથી લાખો રૂપિયાનો દારૂ ભરેલી ટ્રકને ઝડપી પાડી નવસારી રૂરલે સપાટો બોલાવી દીધો છે. પોલીસે બે રાજસ્થાની ટ્રક ડ્રાઈવર અને કિલીનરને ઝડપી પાડી આગળની તપાસ શરૂ કરી છે.
બોરિયાચ ટોલનાકા ને.હા. નં. ૪૮ ઉપર પોલીસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન એક ટ્રક નં. આરજે ૨૭ જીએ ૩૨૧૫માં ઈગ્લિંશ દારૂનો મોટો જથ્થો ભરીને આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતાં ટ્રકની કેબીનની પાછળના ભાગે ઈગ્લિંશ દારૂ વ્હીસ્કી બીયરની નાની મોટી કુલ ૨૪૨૪ નંગ બાટલીનો જથ્થો કિંમત રૂા. ૨,૪૨,૪૦૦ રૂા.નો મળી આવ્યો હતો. પોલીસે ટ્રક ડ્રાઈવર પુરૂક્ષસિંહ ઈન્દ્રસિંહ ચૂંડાવત અને લેગરલાલ વજીયાજી ગુલાજી (બંને રહે ગામ કલ્યાનપુર, જી. ઉદયપુર, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી અને દારૂ દમણથી ભરાવનાર પૃથ્વીરાજ ઉર્ફે મોટલો વનરાજ મરાઠે (રહે. દમણ) અને તેનો સાગરીત વિજય (રહે. વાપી, વલસાડ)ને વોન્ટેડ જાહેર કર્યા હતા અને પોલીસે દારૂ તથા ટ્રકની કિંમત રૂા. ૭,૦૦,૦૦૦ અને બે મોબાઈલ કિંમત ૧,૦૦૦ મળી કુલ ૯,૪૩,૪૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.