સુરત, તા.૯
સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ કહેર વર્તાવી રહ્યો છે ત્યારે ભારતમાં પણ તેના સંક્રમણને નાથવા માટે ભારત સરકાર દ્વારા લોકડાઉન અમલમાં મૂકવામાં આવ્યું છે. તેવા સમયે સુરત શહેરની મદ્રેસા ઈસ્લામીયા વકફમાં અભ્યાસ કરતા અને મૂળ બિહારના વતની એવા ૬૭૦ જેટલા વિદ્યાર્થીઓની વ્હારે જિલ્લા કલેકટર ડૉ.ધવલ પટેલ આવ્યા હતા. મદ્રેસામાં વેકેશન હોવાથી વતન બિહાર જવા માંગતા ૬૭૦ વિદ્યાર્થીઓ લોકડાઉનના કારણે સુરતમાં ફસાઈ ગયા હતા, જેમને તત્કાલ સ્પેશ્યલ ટ્રેન દ્વારા બિહાર પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તા.૯મીની મધ્ય રાત્રિના ૧.૩૦ વાગ્યે કુલ ૬૭૦ મદ્રેસાના વિદ્યાર્થીઓ તથા અન્ય શ્રમિકો મળી કુલ ૧૧૯૫ને લઈને સ્પેશ્યલ ટ્રેન તેમના માદરે વતન બિહાર જવા રવાના થઈ હતી. ૨૪ કલાકનું ૨૦૭૩ કિલોમીટરનું અંતર કાપી નોનસ્ટોપ ટ્રેન બિહારના પટના પહોંચશે. મદ્રેસાના તમામ વિદ્યાર્થીઓની આંખોમાં વતન જવાની ખુશી છલકાતી હતી. મદ્રેસાના ટ્રસ્ટી સલીમભાઈ ચાંદીવાલા(મામા)એ જણાવ્યું કે, સરળ અને નિખાલસ સ્વભાવના કલેકટરેે બાળકોની ચિંતા કરીને વતન જવા માટે ટ્રેનની તત્કાલ વ્યવસ્થા કરી આપી હતી. કેન્દ્ર તથા રાજય સરકાર, જિલ્લા વહીવટીતંત્ર, રેલ્વે તથા સુરત મહાનગરપાલિકાના સહયોગથી તા.૯મીના રોજ મધ્યરાત્રિએ ૧.૩૦ વાગે બાળકોનું સ્ક્રિનીંગ, મેડિકલ ચેકઅપ સાથે સોશિયલ ડિસ્ટન્સીંગના પાલન સાથે સુરત રેલ્વે સ્ટેશન ખાતેથી ૬૭૦ જેટલા બાળકો-કિશોરોને સુરતથી બિહારના પૂર્ણીયાની સ્પેશ્યલ ટ્રેનમાં રવાના કરવામાં આવ્યા હતા.