(એજન્સી) સુરત,તા.ર૧
સુરતમાં હિન્દુ બાહુલ્ય ધરાવતા મોટા વરાછા વિસ્તારમાં આવેલ મદ્રેસા ઈસ્લામિયા હાઈસ્કૂલમાં કોમી સદભાવનાનું અનોખું ઉદાહરણ જોવા મળે છે. અહેવાલ મુજબ આસપાસના ગામોમાંથી આવતા વિવિધ ધર્મ અને જાતિના વિદ્યાર્થીઓને મદ્રેસા ઈસ્લામિયા હાઈસ્કૂલમાં માનવતાના પાઠ શીખવાડવામાં આવે છે. મદ્રેસા ઈસ્લામિયામાં ૭૦ ટકાથી વધુ હિન્દુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ૧૦૦ કરતા વધુ વર્ષોથી સુરતમાં આવેલ ઈસ્લામિયા સ્કૂલમાં આવતા વિદ્યાર્થીઓમાં ભાઈચારા અને માનવતાની ભાવના વિકસાવવામાં આવે છે. આ વિદ્યાર્થીઓને સામાજિક અભ્યાસના પુસ્તકોનું જ્ઞાન આપતા પહેલા તેમના રોજિંદા જીવનમાં માનવતાના પાઠ ભણાવવામાં આવે છે. મદ્રેસા ઈસ્લામિયા હાઈસ્કૂલના આચાર્ય સુલેમાન ગુલામહુસેને જણાવ્યું કે, મદ્રેસા ઈસ્લામિયા હાઈસ્કૂલમાં આવતા વિદ્યાર્થીઓમાં ૭૦ ટકા હિન્દુ જ્યારે ૩૦ ટકા મુસ્લિમ વિદ્યાર્થીઓ છે. તેમણે કહ્યું કે માત્ર મોટા વરાછામાંથી જ નહીં પરંતુ મદ્રેસા ઈસ્લામિયામાં શિક્ષણ મેળવવા આસપાસના ગામોમાંથી પણ વિદ્યાર્થીઓ આવે છે.