(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૬
શહેરના લિંબાયત વિસ્તારમાં બુધવારે રાત્રે આરોપીને પકડવા ગયેલા પોલીસ કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં પોલીસ કર્મીને માથામાં લાકડાનો ફટકો મારતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
સુરત શહેરના અલગ-અલગ વિસ્તારમાં વિવિધ પ્રકારના ગુનામાં સંડોવાયેલા આરોપીને પકડવા માટે પોલીસે સજ્જડ બાતમી સાથે વ્યવસ્થા ગોઠવી હતી. આરોપી નરેન્દ્ર કબૂતર પાટીલ સામે વિવિધ પ્રકારના ગુના દાખલ થયા હતા. બે માસ પહેલા આરોપી પાસામાંથી બહાર આવ્યો હતો. દરમિયાન પોલીસે વોચ ગોઠવી તેને પકડવા માટે ચૂસ્ત બંદોબસ્ત અને વ્યવસ્થા ગોઠવી તે અરસામાં તે પોલીસ પર હુમલો કરી ભાગી છૂટયો હતો. હેડ કોન્સ્ટેબલ રવિકાંતને માથાના ભાગે ઇજા થતાં તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બનાવ સંદર્ભે ઈજાગ્રસ્ત રવિકાંત મંગળભાઈની ફરિયાદના આધારે લિંબાયત પોલીસે આરોપી નરેન્દ્ર ઉર્ફે કબૂતર વિરૂદ્ધ હત્યાની કોશિશનો ગુનો નોંધી તેને પકડવાના ચક્રો ગતિમાન શરૂ કર્યા છે.