(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૮
સુરત શહેરના રિંગરોડ વિસ્તારમાં આવેલી ન્યુ ટેક્સટાઇલ માર્કેટમાં કાપડના ધંધા સાથે સંકળાયેલા વેપારી સાથે આંધ્રપ્રદેશ અને તેલંગાણા વેપારીઓએ રૂા.૩૪,૫૩,૪૨૪નો કાપડનો માલ ખરીદી પેમેન્ટ ચૂકવવાને બદલે હાથ-પગ તોડી નાખવાની ધમકી અપાઈ હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવા પામી છે.
સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રિંગરોડ ન્યૂ ટેક્ષટાઈલ્સ માર્કેટમાં કાપડનો ધંધો કરતાં મહેશ રામાઅવતાર જાગાનીએ આરોપી રાજેન્દ્ર અગ્રવાલ (બાલાજી ટેક્ષટાઈલ્સ એજન્સી, હૈદરાબાદ), અજયકુમાર (અજય કલોથ સેન્ટર, આંધ્રપ્રદેશ), બસવરાજભાઈ (મહાવીર સિન્ડીકેટ, બેગ્લોર), વિજયભાઈ (વિનાયક સાડી, તેલંગાણા) જશરાજભાઈ (રાજલક્ષ્મી ટેક્ષટાઈલ્સ, હૈદરાબાદ) વીર વૈકટ સત્યનારાયણ ફુરરા (સત્યદુર્ગા સિલ્ક સાડી, આંધ્રપ્રદેશ) વિરુદ્ધ ફરિયાદ નોૅધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓએ ફરિયાદીને દિવસમાં પેમેન્ટ કરવાનો ભરોસો આપી રૂ. ૩૪,૫૩,૪૨૪ની કિંમતનો કાપડનો જથ્થો ખરીદી કર્યો હતો. ત્યારબાદ આજદિન સુધી પેમેન્ટ નહીં ચૂકવી ફરિયાદીએ ઉઘરાણી કરતા આરોપીઓએ હાથ-પગ તોડી નાખવાની ધમકી આપી હતી.સલાબતપુરા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.