(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૦
વરાછા માતાવાડી વિસ્તારમાં એક વેપારીને બે અમદાવાદી ઠગબાજોએ રૂા.૧.૨૪ કરોડથી વધુનો ચૂનો ચોપડ્યો હોવાની ફરિયાદ સુરત ક્રાઇમ બ્રાંચમાં નોંધાઇ છે.
સરથાણા જકાતનાકાસ્થિત રાજહંસ સોસાયટીના તપન બિલ્ડીંગમાં રહેતા ચંદ્રેશ લાલજી ધોણીયા વરાછાના એલ.એચ.રોડ માતાવાડી સ્થિત ભગુનગર સોસાયટીમાં ભારત ટોબેકો નામની દુકાન ધરાવે છે. બે મહિના પહેલાં અમદાવાદ નિકોલ રોડ ભકિત એન્કલેવ અને સુરત જહાંગીરાબાદ માધવબાગ રો-હાઉસમાં રહેતા તેમજ નિવા સેલ્સ એજન્સીના માલિક મયુર રમેશ ધડુક અને સની ઉર્ફે શશાંક ચતુર પટોલિયા નામના વેપારીઓએ ચદ્રેશભાઇનો સંપર્ક સાધ્યો હતો અને સમયસર પૈસા ચૂકવી દેવાની બાંહેધરી આપીને ઉધાર ટોબેકોનો માલ ખરીદ્યો હતો. પ્રારંભિક તબક્કામાં સમયસર પૈસા ચૂકવીને ચંદ્રેશભાઈને વિશ્વાસ જીતી લેનાર બંને અમાદાવાદીઓએ સિગારેટ તથા રેડબુલનો માલ અપાવવાનું જણાવી એડવાન્સ રૂા.૮૦ લાખ પડાવી લીધા હતા. તે દરમિયાન ચંદ્રેશભાઇ પાસેથી બંને જણાએ રૂા.૪૪.૩૭ લાખનો તમાકુ અને ગુટખાનો માલ ઉધાર ખરીદ્યો હતો. આમ કુલ રૂા.૧.૨૪ કરોડથી વધુની રકમ તેઓની પાસેથી લેવાની બાકી હતી. બંને જણાએ સમયસર માલ અને ઉધાર લીધેલા માલના પૈસા પરત ન આપતા ચંદ્રેસે ઉઘરાણી શરૂ કરી હતી. પરંતુ બંને અમદાવાદીઓએ રૂપિયા ચૂકવવાને બદલે ધાક ધમકી આપીને હાથ અદ્ધર કરી લીધા હતા. બનાવ સંદર્ભે ચંદ્રેશની ફરિયાદને આધારે ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.