(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૫
આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા આખો દિવસ વિવિધ કાર્યક્રમો આયોજિત કરી શહેરીજનોને પર્યાવરણ અને ગ્લોબલ વોર્મિંગની આડ અસરો અંગે જાગૃત્ત કરવામાં આવ્યા હતા. વહેલી સવારે ડુમસ રોડ પર સાયકલ રેલી આયોજિત કરવામાં આવી હતી. સમગ્ર વિશ્વ ૫મી જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવે છે. આજે આખુ વિશ્વ ગ્લોબલ વોર્મિંગની વિઘાતક અસરોનો સામનો કરવા વિવિધ પગલાઓ લઈ રહ્યું છે. શહેરીજનોને ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણ અંગે જાગૃત કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ લોકજાગૃતિ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા. સવારે ૬.૩૦ કલાકે એસવીએનઆઈટી સર્કલ ખાતે મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી અધ્યક્ષ અને મનપાના અધિકારીઓ તેમજ કોર્પોરેટરો અને નગરજનોની ઉપસ્થિતિ વચ્ચે સાયકલ રેલી આયોજિત કરવામાં આવી. એસવીએનઆઈટી સર્કલથી કારગીલ સર્કલ થઈ વાય જંકશનથી યુ ટર્ન લઈ પાછી એસવીએનઆઈટી સર્કલ સુધી સાયકલ રેલી યોજાઈ હતી. સવારે ૬.૩૦થી ૮.૩૦ દરમ્યાન સુરત ડુમસ રોડ ગૌરવ પથ પર એસવીએનઆઈટી થી વાય જંકશન સુધી મુખ્ય રસ્તા પર વાહનોની અવર જવર બંધ રાખી વાહનો માટે સર્વિસ રોડ ખુલ્લો રાખવામાં આવ્યો હતો. મહાનગરપાલિકા દ્વારા સાયકલ દોડના પ્રતિયોગીઓ માટે પીવાનું પાણી, એનર્જી ડ્રીન્ક, મોબાઈલ કલીનિકની વ્યવસ્થા કરવામાં આવી હતી. પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક ડાયવર્ટ અને બેરીકેટીલની વ્યવસ્થા કરવામાં આવી હતી. સાયકલ રેલી ઉપરાંત મનપા દ્વારા વોલ પેન્ટીંગ સ્પર્ધા, શોર્ટ ફિલ્મ મેકિંગ કેમ્પનું સાયન્સ સેન્ટર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. કવિ નર્મદ પુસ્તકાલય ખાતે પર્યાવરણ અંગે વક્તૃત્વ સ્પર્ધા યોજી હતી.