(સંવાદદાતા દ્વારા)
સુરત,તા.૭
શહેરના સિંગણપોર-કોઝવે રોડ પરની પ્રમુખ વિદ્યાલયમાં બે મહિના પહેલાં વિદ્યાર્થીઓ વચ્ચે ચાલી રહેલી રમતમાં એક વિદ્યાર્થીનું પડી જતાં તેને ગળામાં વાગતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ૪૫ દિવસની સારવાર બાદ તેનું મોત નિપજતાં પરિવારજનોએ આર્થિક સહાયની માંગ સાથે સ્કુલની બહાર ધરણાં પ્રદર્શન કરી ન્યાય માંગ્યો હતો. જોકે પોલીસે ઘટના સ્થળે દોડી જઇ સ્કૂલના ટ્રસ્ટીઓ અને મૃતક પરિવારના સભ્યોને પોલીસ મથકે લઇ જઇ સમજાવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના સિંગણપોર-કોઝવે રોડ વિસ્તારની જય શિવઓમ સોસાયટી વિભાગ-૨માં લક્ષ્મણ ગણપતભાઇ સેલાર ચૌટાપુલ માછલી પીઠ પાસે પારસી પંચાયતની શાળામાં પટાવાળા તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની દિકરી નિમીતા સેલાર અખંડ આનંદ કોલેજમાં એસ.વાય.બી.કોમ.માં અભ્યાસ કરે છે. જ્યારે એકનો એક પુત્ર આયુષ સેલાર સિંગણપોરની પ્રમુખ વિદ્યાલયના ધો.૯માં અભ્યાસ કરતો હતો. તા.૪થી ઓકટોબરના રોજ પ્રમુખ વિદ્યાલયમાં કોમ્પ્યુટરની પ્રેકટીકલ પરીક્ષા પુર્ણ કરી આયુષ કલાસમાં દફતર લેવા ગયો હતો. ત્યાં રાજ અને વિશાલ નામના બે વિદ્યાર્થીઓ સાથે તેની ટપલી દાવની રમત રમી રહ્ના હતો. તે દરમ્યાન આયુષ પડી જતાં તેને ગળાના ભાગે ગંભીર ઇજા પહોચી હતી. જેથી આચાર્ય સુરેશ ઠક્કર સહિતનો શિક્ષક સ્ટાફ દોડી આવ્યો હતો. ત્યારબાદ તેના વાલીઓને બોલાવીને આયુષનો કબ્જા સોપ્યો હતો. ત્યારબાદ આયુષની ખાનગી દવાખાનામાં સારવાર કરાયા બાદ તેની તબિયત વધુ લથડતાં અઠવાગેટની મહાવીર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ૪૫ દિવસની સારવાર દરમ્યાન ૧૪-૧૧- ૨૦૧૯ના રોજ તેનું મોત નિપજયુ હતું. પુત્રના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. મૃત્યુ પહેલાં આયુષે પરિવારજનોને જણાવ્યુ હતુ કે રાજ અને વિશાલે મને બેન્ચીંસ પર બેસાડીને મને માર માર્યો હતો. તેઓને પોલીસના હવાલે કરી દેજા અને પૈસા પણ લેજો અને તેમને સજા મળે તેવું જણાવ્યુ હતું. આમ આયુષના મોત બાદ સારવાર દરમ્યાન પરિવારજનોને લગભગ રૂા.૫.૪૩ લાખ જેટલો ખર્ચ થયો હતો. બીજી બાજુ શાળાના ટ્રસ્ટી અને આચાર્ય પણ પરિવારને આર્થિક સહાયનો દિલાસો આપ્યો હતો. પરંતુ તેઓ આર્થિક સહાય કરવામાં ફરી જતાં પરિવારજનો અને સોસાયટીના રહીશો તથા સમસ્ત મહારાષ્ટ્રીયન સમાજના લોકોએ આજે સ્કૂલ પર મોરચો માંડ્‌યો હતો. મૃતક આયુષને ન્યાયની સાથે પરિવારને આર્થિક સહાય મળે તેવી માંગ સાથે સ્કુલની બહાર ધરણાં પ્રદર્શન કર્યા હતા. જેથી સ્કુલના આચાર્ય સુરેશ ઠક્કરે તાત્કાલ ચોકબજાર પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પોલીસે મામલો થાળે પાડી બંને પક્ષના લોકોને ચોકબજાર પોલીસ મથકે લઇ ગયા હતા. આ સંદર્ભે મૃતક આયુષની માતા સંગીતાબેને આક્ષેપ કર્યો હતો કે મારા પુત્રને માર મારતા મોત નિપજયુ છે અને તેની સારવાર પાછળ થયેલો ખર્ચ અને આ ઉપરાંત વધારાની રકમ આર્થિક સહાય તરીકે શાળા તરફથી આપવામાં આવે તેવી માંગ કરી છે. આ અંગે પ્રમુખ વિદ્યાલયના આચાર્ય સુરેશ ઠક્કરે જણાવ્યું હતુ કે ૪થી ઓકટોબરના રોજ શાળાના કલાસમાં આ ઘટના બની હતી. જેમાં વિદ્યાર્થીઓ ટપલીદાવની રમત રમી રહ્યા હતા. તે વખતે આયુષ જમીન પર ફસડાઇ પડ્‌યો હતો. ત્યારબાદ તેને પ્રાથમિક સારવાર આપી તેના વાલીઓને બોલાવી કબ્જા સોપ્યો હતો. ૧૦ દિવસ સુધી આયુષ ન આવતા તે માટે અવાર નવાર મેસેજો પણ કરવામાં આવ્યા હતા અને ૧૪મી ઓકટોબરના રોજ પરીક્ષા હોવાથી આચાર્યએ ફોન કરતાં આયુષ હોસ્પિટલમાં દાખલ છે તેવી જાણ થઇ હતી. જેથી ટ્રસ્ટીઓએ પરિવારને આર્થિક સહાયની બાંહેધરી આપી હતી. પરંતુ પરિવારના લોકોએ રૂા.૧૫ લાખની માંગ કરી છે. વાલીઓની અન્ય એક માંગના આધારે શાળામાં અભ્યાસ કરતા રાજ અને વિશાલ નામના બે વિધ્યાર્થીઓને એલસી આપી કાઢી મુકવામાં આવ્યા છે. સ્કૂલ દ્વારા કોઇપણ જાતની લાપરવાહી દાખવવામાં આવી નથી.