(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૩૦
સુરતના સરથાણાના યોગીચોક વિસ્તારના તુલસી રો હાઉસ ખાતે રહેતા હીરાના વેપારીના બંધ ઘરને નિશાન બનાવી તસ્કરો અંદરથી ૪૦ તોલા સોના અને રોકડા મળી કુલ્લે રૂા.૧૦.૮૭ લાખની મત્તાની ચોરી કરી ગયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના સરથાણા વિસ્તારના યોગીચોક પાસેના તુલસી રો હાઉસમાં સંજય ધીરુભાઇ અકબરી પોતાના પરિવાર સાથે રહે છે.સંજયભાઇ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જેઓ ગત તા.૨૭-૪-૨૦૧૯ થી તા.૨૯-૪-૨૦૧૯ દરમિયાન ઘરને તાળા મારી બહાર ગયા હતા.ત્યારે અજાણ્યા તસ્કરોએ તેમના ઘરને નિશાન બનાવી ઘરની ગ્રીલ ઉખેડી, અંદર પ્રવેશી કબાટમાંથી ૪૦ તોલા દાગીના રૂા.૧૦.૪૦ લાખ તથા રોકડા રૂા.૪૭૦૦૦ મળી કુલ રૂા.૧૦,૮૭૦૦૦ની મતા ચોરી કરી ગયા હતા. બનાવ અંગે સંજય ધીરૂભાઈ અકબરીએ સરથાણા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બનાવ અંગે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે આ ચોરીના ઘટનામાં કોઇ જાણ ભેદુની સંડોવણી હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.