(સંવાદદાતા દ્વારા)

સુરત, તા.૨૯

સુરતમાં કોરોનાના કેસોની સંખ્યા વધવાની શરૂઆત થઈ ત્યારથી ડૉક્ટરો, પેરામેડિકલ સ્ટાફ, પોલીસ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, સફાઈ અને સેનિટાઈઝેશન કર્મચારીઓ પ્રથમ હરોળના કોરોના વોરિયર્સ તરીકે ઉભરી આવ્યા છે. દરમ્યાન સુરતની નવી સિવિલ હોસ્પિટલ અને કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે કોરોનાની શરૂઆતથી સેનિટાઈઝેશનની કામગીરી નિભાવી રહેલા સન્ની સોલંકી નામના કર્મચારી એક પણ રજા લીધા વિના સિવિલ હોસ્પિટલમાં સેનિટાઈઝેશન અને ડિસઈન્ફેક્શનની કામગીરી બખુબી નિભાવી રહ્યા છે. નવાગામ ડિંડોલી ખાતે રહેતા અને સિવિલમાં સર્વન્ટ તરીકે નોકરી કરતાં ૩૫ વર્ષીય સન્નીભાઈ બાલુભાઈ સોલંકી સેનિટાઈઝેશન અને બાયો મેડિકલ વેસ્ટના નિકાલની કામગીરી ખંતપૂર્વક નિભાવી રહ્યા છે. સન્ની સોલંકી જણાવે છે કે, ‘ઘર પરિવારની પરવા કર્યા વિના અમે સૌ કર્મચારીઓ પણ રાત-દિવસ ફરજ નિભાવીએ છીએ. સિવિલના કોઈ પણ ડૉક્ટર્સ, સ્ટાફ કે દર્દીઓ, અને તેમના પરિવારજનોની આરોગ્ય સુરક્ષા માટે અમે નિયમિતપણે જુદા-જુદા વિભાગો અને કોવિડ વોર્ડમાં પણ સેનિટાઈઝેશન અને ડિસઈન્ફેક્શનની કામગીરી પીપીઈ કિટ પહેરીને સમયસર કરીએ છીએ. કોરોનાની શરૂઆતમાં થોડો ડર લાગતો હતો, હવે સાવચેતીના પગલાં અચૂક લેવાતા હોવાથી હવે ડર લાગતો નથી, એમ જણાવતાં સન્નીભાઈ ઉમેરે છે કે, અમે કોવિડ વોર્ડમાં કામ દરમિયાન દર્દીઓ સાથે વાતચીત કરી તેમને હિંમત પણ આપીએ છીએ.