(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૬
શહેરના રાંદેર વિસ્તારમાં આવેલી નવયુગ કોલેજમાં સ્ટુડન્ટે પ્રોફેસર સામે હાથની નસ કાપતા હોબાળો મચી જવા પામ્યો હતો. ઇજાગ્રસ્ત થયેલ સ્ટુડન્ટને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખશેડવામાં આવ્યો હતો. પરીક્ષામાં ૧૫ મિનિટ લેટ પહોંચ્યો હતો, અને પરીક્ષા ખંડમાં તેના હાથમાંથી મોબાઈલ લઈને કોપી કેસ કરવાની વાતે આ પગલું ભર્યું હોવાનું સ્ટુડન્ટે જણાવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના પરવત પાટીયા વિસ્તારમાં આવેલી જલારામ સોસાયટીમાં રહેતા સુમિત કાનજી રબારી રાંદેરમાં આવેલી નવયુગ કોલેજમાં ટી.વાય.બી.કોમમાં અભ્યાસ કરે છે.કોલેજમાં હાલ પરીક્ષાઓ ચાલી રહી છે આજે શુક્રવારે એડવાન્સ એકાઉન્ટનું પેપર હતું. જેમાં સુમિત ૧પ મિનિટ લેટ પહોંચ્યો હતો. સ્ટુડન્ટે આરોપ લગાવ્યો હતો કે, પરીક્ષામાં ૧૫ મિનિટ લેટ પહોંચ્યો હતો. અને પરીક્ષાખંડના દરવાજે ઉભો હતો. અન્ય સ્ટુડન્ટને મોબાઈલ અને પર્સ મૂકવા માટે બેગ વિશે પૂછી રહ્યો હતો. દરમિયાન પરીક્ષા ખંડના સુપરવાઈઝર મહિલા પ્રોફેસર આવી ગયા હતા, અને મોબાઈલ ફોન અને પર્સ લઈ લીધું હતું. ત્યારબાદ કોપી કેસ કરવાની વાત કરી હતી. જેથી તેમને આવું ન કરવા વિનંતી કરી હતી. જોકે, મહિલા પ્રોફેસરે મનાઈ કરતા તેમની સામે જ હાથ પર ૧૦થી વધુ બ્લેડના ઘા મારી દીધા હતા.