(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૨૭
કોરોનાએ ગુજરાત રાજ્યમાં ભારે કોહરામ મચાવ્યો છે. દિવસે દિવસે પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યા છે. આજે બપોર સુધીમાં સુરત શહેરમાં વધુ ૨૧ પોઝિટિવ કેસો સામે આવ્યા છે જયારે મનપા દ્વારા જાહેર કરવામાં આવેલા હોટસ્પોટ વિસ્તાર માન દરવાજાના આધેડનું ગઈકાલે મોડીરાત્રે નવી સિવિલ હોસ્પિટલમાં ૧૪ દિવસની સારવાર બાદ મોત નિપજ્યું છે. આ સાથે જ સુરત શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાનો મુત્યાંક ૬૩ ઉપર અને ગ્રામ્યમાં ૨ ઉપર પહોંચ્યો છે. જયારે શહેરમાં પોઝિટિવ દર્દીઓના આંકડો આજના જાહેર થયેલા ૨૧ દર્દીઓ સાથે ૧૩૬૭ અને ગ્રામ્યના ૯૬ પર પહોંચ્યો છે. સુરત શહેરમાં અત્યાર સુધીમાં ૯૪૫ અને ગ્રામ્ય વિસ્તારમાં ૬૪ દર્દીઓ સાજા થતા તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે. સાથે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કોરોના સંક્રમિત ૫૬ દર્દીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી વિગતો મુજબ લીંબાયત ઝોનના હોટસ્પોટ માનદરવાજા એ/૪/૧૧ એ ટેનામેન્ટમાં રહેતા ૫૫ વર્ષીય મહેશભાઇ બ્રીજલાલ રાણાને કોરોનાની સારવાર માટે ગત ૧૩મીની સવારે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા હતા. ડાયાબિટીઝની પણ સારવાર લઇ રહેલા મહેશભાઇનું આજે મળસ્કે ૩૨૦ કલાકે મોત નીપજ્યું હતું. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં ૨૭૧ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી ૫૬ દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં ૧ વેન્ટિલેટર, ૨૧ બીપેપ અને ૩૪ દર્દીઓ ઓક્સિજન પર હોવાથી ડોક્ટરોની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.