(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૧
શહેરના રાંદેર કેનાલ રોડ ખાતે આવેલ રાજહંસ પ્લેટેનિયમ પ્લાઝા બિલ્ડિંગના પાંચમાં માળેથી જુનાગઢના બિલ્ડરે મોતની છલાંગ લગાવી હતી.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર રાજહંસ પ્લેટેનિયમ પલાઝાનો વોચમેન શિવસિંગ વિશ્વનાથસિંગ રાજપુતે આજે સવારે ૫.૩૦ કલાકે બિલ્ડિંગના કેમ્પસમાં એક લાશ જોઈ હતી. વોચમેને બૂમાબૂમ કરતા એપાર્ટમેન્ટના લોકો ભેગા થયા હતા. પાંચમાં માળેથી જૂનાગઢનો બિલ્ડર પિયુષ વણપરિયાએ કોઈ અગમ્ય કારણસર મોતની છલાંગ લગાવી હતી. પિયુષની બહેનના ૮મી માર્ચે લગ્ન હોવાથી તે જૂનાગઢથી સુરત લગ્નની કંકોત્રી આપવા આવ્યો હતો. પિયુષ મિત્રો સાથે સુરતમાં નકુલ શૈલેષ પીપળીયાના લગ્નમાં આવ્યો હતો. મંગળવારે લગ્ન પ્રસંગ પૂર્ણ થતાં તેના મિત્રો જૂનાગઢ નીકળી ગયા હતા. જ્યારે પિયુષ બહેનની કંકોત્રી આપવા સુરત રોકાયો હતો. રાંદેર પીએસઆઈ પી.આર. પરમાર પિયુષની મોતનું રહસ્ય જાણવા તપાસ હાથ ધરી છે.