(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૦
જુદા-જુદા ફેક એકાઉન્ટ પરથી યુવતીને બિભત્સ મેસેજ કરીને સમાજમાં બદનામ કરી દેવાની ધમકી આપનાર આધેડ લંંપટની સાયબર ક્રાઈમે છેક રાજકોટથી ધરપકડ કરીને જેલના પાંજરે પૂરી દીધો છે.
સુરત સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં એક યુવતીએ ફરિયાદ નોંધાવી હતી કે ફેસબુક પર અલગ-અલગ નામથી ફેક એકાઉન્ટ બનાવીને તે આઈડી પરથી યુવતીને બિભત્સ મેસેજ કરવામાં આવતા હતા. આ ફેક એકાઉન્ટમાં યુવતી અને તેની બહેનોના ફોટાઓ અલગ-અલગ ગ્રુપમાં વાયરલ કરી કોલગર્લ તરીકે ચીતરવાની ધમકી આપવામાં આવી હતી. તા.૧૮મી ઓગસ્ટના રોજ યુવતીને ફોન કરી અજાણ્યા શખ્સે ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતા આખરે મેસેજ અને ધમકીથી ત્રસ્ત થયેલી યુવતીએ સુરત સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે ટેકનીકલ સર્વેલન્સની ટીમે આરોપીને આઇડેન્ટીફાઇ કરી તેને પકડવા ચક્રોગતિમાન કર્યા હતા. તે દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના વડવાણ તાલુકાના ન્યુ ગુજરાત હાઉસીંગ બોર્ડનો વતની અને હાલ રાજકોટ મોચી નગરમાં રહેતો મહેશ ઉર્ફે મિસ્ત્રી ઉર્ફે મિહીર હરજીવન પીઠવા નામના ૫૩ વર્ષીય આધેડને પોલીસે ઝડપી પાડવામાં આવ્યો હતો.