(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૫
શાળાઓમાં એવું અવારનવાર બનતું હોય છે કે, જ્યારે કોઈ વિદ્યાર્થી નિયત સમયમાં ફી ભરપાઈ ન કરે તો તેના વાલીને શાળા પર બોલાવી આચાર્ય ધમકાવતા હોય અથવા તો ફોન પર ધમકાવતા હોવાના કિસ્સા સામે આવે છે. પરંતુ આજે સુરતની અડાજણ સ્કૂલના સંચાલકોએ હદ કરી નાખી.૧૦૦ જેટલા વિદ્યાર્થીઓને લિગલ નોટીસ ફટકારી છે. જેમાં નોંધ્યું છે કે, જો સાત દિવસમાં ફી ભરપાઈ નહીં કરવામાં આવે તો શાળાના રેકર્ડ પરથી ત્મારૂ નામ રદ કરવામાં આવશે. સુરત શહેરના અડાજણ વિસ્તારમાં આવેલી રાયન ઈન્ટરનેશનલ સ્કૂલના સંચાલકોએ ૧૦૦ વિદ્યાર્થીને વકીલ મારફતે નોટિસ મોકલી છે. જેમાં સાત દિવસમાં ફી ભરપાઈ કરવાનો ઉલ્લેખ છે. આ બાબતે વાલીઓનું કહેવું છે કે, ફીના મામલે સરકાર કે કોર્ટ તરફથી કોઈ આદેશ નથી જેવો આદેશ આવશે એટલે એક સાથે તમામ રકમ ભરપાઈ કરી દેવામાં આવશે તો શાળા સંચાલકોનું કહેવું છે કે, ૧૦૦ વિદ્યાર્થીએ એક વર્ષ સુધી એક પણ રૂપિયો ભર્યો નથી. જેથી લિગલ નોટીસ આપવી પડી છે.