(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૮
સુરતની લક્ઝુરિયસ અને ફાઈવ સ્ટાર ફેસિલિટી ધરાવતી અગ્રણી હોટલોમાં આજે ફ્રૂડ અને આરોગ્ય વિભાગ દ્વારા સંયુકત ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ફાઈવ સ્ટાર ફેસિલિટી ધરાવતી અંબિકા નિકેતન નજીકની હોટલ તાજ ગેટવે ઉપરાંત ડુમસ રોડની ટીજીબી, જ્યારે રેલવે સ્ટેશન વિસ્તારની લોડ્‌ર્સ પાર્ક ઈન અને હોટલ યુવરાજમાં આરોગ્ય અનએ ફુડ વિભાગના સ્ટાફે સફાઇ તેમજ આરોગ્યલક્ષી તપાસની કામગીરી આરંભી છે. આ હોટલોમાંથી ખાણીપીણીને લગતા કેટલાક સેમ્પલો પણ લેવાયા હોવાનું સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે. સુરત મહાનગરપાલિકાના ડે.કમિ.હેલ્થ એન્ડ હોસ્પિટસ ડો. આશિષ નાયક તેમજ ફૂડ ઈન્સ્પેકટર સાળુંકેએ સંયુકત રીતે જણાવ્યું હતું કે શહેરની ફાઈવ સ્ટાર ફેસિલિટી ધરાવતી ધરાવતી લક્ઝુરિયસ હોટલો પર આકસ્કિમક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આજે સવારથી આરોગ્ય અને ફૂડ વિભાગની સંયુકતટીમો અંબિકા નિકેતન નજીકની હોટલ તાઝ ગેટવે, ડુમસ રોડ પરથી હોટલ ટીજીબી (ધ ગ્રાન્ડ ભગવતી), રિંગરોડ દિલ્હીગેટ નજીકની હોટલ લોડ્‌ર્સ પાર્ક ઈન તેમજ રેલ્વે સ્ટેશન નજીકની જ હોટલ યુવરાજમાં પહોંચી હતી.
ફૂડ ઈન્સ્પેકટર સાળુકેએ જણાવ્યું કે ટીજીબીમાંથી કેટલાક સેમ્પલો લેવામાં આવ્યા છે. જેમાં પનીર, ચીઝ, ટોમેટો, ઓનિયન ગ્રેવી અને તૈયાર છોલે ભટૂરેનો સમાવેશ થાય છે. આ સાથે જ કિચનમાં રાખવામાં આવેલા રો મટિરિયલ્સની પણ ચકાસણી કરવામાં આળી રહી છે. હાલમાં ચાર હોટલોમાં આ ચેકિંગ હાથ ધરાયું છે પરંતુ શહેરની તમામ લક્ઝુરિયસ અને મોટી હોટલોમાં આવનારા દિવસોમાં ચેકિંગ શરૂ કરવામાં આવશે.સફાઈ ઉપરાંત હોટલોના રસોડા, વોશરૂમ એરિયા, કેમ્પસ, ગાર્ડન સાઈડ, વિગેરેની સધન તપાસ હાથ ધરવામાં આવશે.