(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૧૯
સુરતનો કાપડ ઉદ્યોગ ૭૦ વર્ષમાં પ્રથમ વખત જ કોરોના વાયરસની મહામારીના કારણે સતત ૫૫ દિવસ સુધી બંધ રહેવા પામ્યો છે. લોકડાઉનના કારણે સુરતમાં ૧૦ લાખથી વધુ કારીગરો બેરોજગાર બન્યા છે. જ્યારે ૬.૫૦ હજાર લુમ્સ અને ૨ લાખ એમ્બ્રોડરીના કારખાના બંધ થતાં જ આ ઉદ્યોગને રૂા.૨૦ હજાર કરોડથી વધારેનું નુકશાન થયાનો અંદાજ છે. નોટબંધી અને જીએસટી બાદ ટેક્સટાઈલ ઉદ્યોગ આ મહામારીમાં સૌથી વધારે નુક્શાનગ્રસ્ત થયો છે. કર માફી અને ઉદ્યોગની લોન પરની વ્યાજ માફી કાપડ ઉદ્યોગ માટે સંજીવની સમાન બની શકનાર હોવાનું ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ એસોસિએશનના પ્રમુખ અશોક જીરાવાળાએ જણાવ્યું હતું.
હાલની પરિસ્થિતિ જોતા કોઈ પણ પેકેજ ટેક્સટાઈલ ઉદ્યોગને બેઠું કરી શકે એમ નથી. નોટબંધી અને જીએસટી બાદ કાપડ ઉદ્યોગ લકવાગ્રસ્ત હાલતમાં ચાલી રહ્યો હતો. એમાં હવે ૫૫ દિવસના લોકડાઉનમાં લગભગ ૨૦ હજાર કરોડથી વધુનું નુકશાનની માર સહન કરનાર વેપારીઓ લગભગ એક વર્ષ સુધી બેઠા થાય એવી કોઈ શક્યતા દેખાય રહી નથી. સુરતમાં ૫૫ હજાર સહિત ગુજરાતના ૧ લાખ વિવર્સ હવે માત્ર કર માફી અને ઉદ્યોગ ની લોન પર વ્યાજ માફી મળે તો જ ફરી કાપડ ઉદ્યોગને દેશ અને દુનિયામાં દેશના વિકાશનો પાયો બનાવી શકે છે. હાલ આ મહામારીમાં સુરતના કાપડ ઉદ્યોગનું રોજનું ૩ કરોડ કાપડનું ઉત્પાદન અટક્તા રોજનું ૪૦૦-૫૦૦ કરોડનું નુકશાન થઈ રહ્યું છે. ૧૬૦ માર્કેટમાં ૪૫ હજાર દુકાન અને ૧૮૦ મિલો બંધ થઈ ગઈ છે.