( સંવાદતાદા દ્વારા)
સુરત,૮
કોરોના વાયરસના હાહાકાર વચ્ચે લોકડાઉનમાં બે મહિનાથી વધુ સમય જેટલા મોલ મલ્ટીપ્લેક્સ બંધ રહ્યાં છે. આજે સુરતના વિવિધ વિસ્તારમાં આવેલા મોલ ગ્રાહકો માટે ખુલ્યા છે. ગ્રાહકોને સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે સાથે સ્ક્રિનિંગ કરીને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ગ્રાહકોના નામ રજીસ્ટરમાં નોંધાયા બાદ જ તેમને ખરીદી માટે અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યા છે. આ તરફ વેપારીઓને પણ ઘણા સમયથી ધંધા બંધ રહ્યા હોવાથી ફરી સારો વેપાર થવાની આશા બંધાઈ છે.
રાહુલરાજ મોલમાં ગ્રાહકોને હેન્ડ ગ્લવ્ઝ પહેરીને કર્મચારીઓ દ્વારા પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. મોલમાં પ્રવેશતા ગ્રાહકોની તમામ વિગતો રજીસ્ટરમાં લેવામાં આવી રહી છે. સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સેનિટાઈઝર પ્રવેશ દ્વાર પર જ મુકવામાં આવ્યાં છે. વીઆર મોલમાં પણ આજથી ખુલ્યો છે. ગ્રાહકોને માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઈઝર સાથે જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ઘણા સમય પછી વેપાર ધંધાની શરૂઆત થઈ હોવાથી ગ્રાહકો પણ ધીમે ધીમે મોલમાં આવી રહ્યાં છે. જેથી વેપાર ધંધા ફરીથી પાટે ચડશે તેવી આશા વેપારીઓમાં બંધાઈ છે. સેન્ટ્ર મોલ દ્વારા જણાવાયું હતું કે, કોરોનાના કહેરને ધ્યાનમાં રાખીને બાળકો અને મોટી ઉંમરની વ્યક્તિઓને પ્રવેશ ન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. યોગ્ય ડિસ્ટન્સ સહિતની સરકારી ગાઈડલાઈનનું પાલન કરીને જ મોલમાં એન્ટ્રી આપવામાં આવશે. તથા તમામ તકેદારીનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.