સુરત,તા.૧૩
શહેરના સગરામપુરા તલાવડી ખાતે આવેલ અલ-આનીયા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના થોડા સમય પહેલા ઉઠી ગયેલા સંચાલકો ફરી હિમ્મત ભેર બેઠા થવા પામ્યાં છે. જેના કારણે આ ટ્રાવેલ્સમાં પોતાના નામો નોંધાવનાર હાજીઓમાં હાશકારો થવા પામ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના સગરામપુરા વિસ્તારના તલાવડી ખાતે અલ-આનીયા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસ આવેલી છે. જેના સંચાલક નુરુલ્લાહભાઇ (નૂર) છે. જેઓ થોડા સમય પહેલા જ અગમ્ય કારણોસર હાજીઓના નાણાં લઇ ઓફિસ બંધ કરી પલાયન થઇ ગયા હતા. જેના કારણે આ ટ્રાવેલ્સ દ્વારા હજ – ઉમરાહ જવા માટે પોતાના નામો નોંધાવનાર હાજીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. હાજીઓએ ભારે હંગામો પણ મચાવ્યો હતો. આ ઘટના સંદર્ભે શહેરના અઠવા પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવા પામી હતી. જેથી પોલીસે નુરૂલ્લાહભાઇની ધરપકડ પણ કરી હતી. જેઓ બાદમાં જામીન ઉપર કોર્ટમાંથી છુટ્યા હતા. ત્યારબાદ નુરૂલ્લાહભાઇને તેમના કેટલાક મિત્રોએ સાથ સહકાર આપતાં તેઓ ફરી બેઠા થવા પામ્યા છે, અને આજે સાંજે તેઓ પ૦ થી વધુ હાજીઓને લઇ ઉમરાહ માટે રવાના થયા હતા.જોકે, આગામી તા.ર૧મી માર્ચના રોજ વધુ બીજા પ૦ હાજીઓને ઉમરાહ માટે લઇ જનાર છે.
નુરૂલ્લાહભાઇએ અગાઉ જે હાજીઓના બુકિંગ લીધા હતા, તેઓને હવે પોતાની સગવડ મુજબ ઉમરાહ માટે લઇ જ્યાં રહ્યાં હોવાની જાણ આ ટૂર્સમાં અગાઉ પોતાના નામ નોંધાવનાર હાજીઓને થતાં તેઓમાં પોતે હવે પછી ફરી ઉમરાહ માટે જઇ શકશે, તેવી આશાએ તેઓમાં ખુશીની લાગણી છવાઇ જવા પામી છે.