(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૮
શહેરના પાર્લે પોઇન્ટ સ્થિત જે. પરિહાર પ્રા. લિ. નામની આર્કિટેક્ટ ઓફિસના એકાઉન્ટન્ટે એસબીઆઈ બેન્કના મેનેજર સાથે મળી બોગસ દસ્તાવેજો રજૂ કરી કંપનીની રૂ. ૧.૧૬ કરોડની એફ.ડી.માં પોતાનું નામ ઉમેરાવી દીધું હતું તેમજ આ એકાઉન્ટન્ટે કંપનીના રૂ. ૧૨ લાખ પોતાના તથા પત્નીના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી દીધા હોવાનું જાણવા મળે છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના વેસુ મંગલમ પેલેસમાં રહેતા આર્કિટેક્ટ ભરતકુમાર જગદીશચંદ્ર પરિહારની જે. પરિહાર પ્રા.લિ. નામની ઓફિસ પાર્લે પોઈન્ટ કિન્નરી એપાર્ટમેન્ટમાં આવેલી છે. આ ઓફિસમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો ભૂપેન્દ્ર મફતલાલ પંચાલ (રહે. રૂદ્રાક્ષ એપાર્ટમેન્ટ,આનંદ મહલ રોડ) એ ફરિયાદીની કંપનીના એકાઉન્ટમાંથી પોતાના આઈસીઆઈસીઆઈ બેન્ક એકાઉન્ટ તથા પત્નીના એકાઉન્ટમાં રૂ. ૧૨,૦૦,૯૦૦ ટ્રાન્સફર કરાવી લીધા હતા. તેમજ આરોપી ભૂપેન્દ્ર પંચાલે એસબીઆઈ પાંડેસરા જીઆઈડીસી બ્રાંચના મેનેજર હિમાંશુ શાંતુભાઈ ભટ્ટ સાથે મળીને કંપનીના ઓવર ડ્રાફટની કે.વાય.સી. ફોર્મ માટે આપેલ વિગતોમાં આરોપી ભૂપેન્દ્ર પંચાલે પોતાનો ફોટો મૂકી સહીઓ કરી બેન્કમાં જમા કરાવી કંપનીનો પરવાનગીપત્ર આપવામાં આવ્યો ન હોવા છતાં કંપનીની રૂ. ૧.૧૬ કરોડની એફ.ડી.માં પોતાનું નામે દાખલ કરાવી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. બનાવ સંદર્ભે ઉમરા પોલીસ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.