(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૮
શહેરમાં મોબાઇલ સ્નેચિંગ, રીક્ષાઓમાં ચોરી કરતી ગેંગ અને ઘરોમાં ઘુસીને મોબાઇલ ચોરતી ગેદ્વગ ઘણી સક્રિય બની છે. આ ગેંગો માત્રને માત્ર મોબાઇલ ફોનને ટારગેટ કરી લુંટ કરતા હોવાનું સામે આવી રહ્યાં છે. મોટા ભાગના કિસ્સાઓમાં પોલીસ મથકોમાં માત્ર અરજી પછી કોઇ કાર્યવાહી ન થતાં મોબાઇલના ગુના ઉકેલાતા નથી. શહેરમાં એક જ દિવસમાં સરથાણા , ડિંડોલી , પુણા , ઉમરા , ખટોદરા , રાંદેર અને અડાજણ પોલીસ મથકની હદમાં રૂ.૧.૨૦ લાખની મત્તાના ૯ મોબાઇલ ફોન ચોરાયા હોવાની ૯ ફરીયાદો નોંધાઇ છે. પોલીસે ગુનો નોંધી આજુબાજુ લાગેલા સીસીટીવી કેમેરાના આધારે આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં નવરાત્રિ અને દિવાળીનો તહેવાર હોવાના કારણે આવી ટોળકીઓ સક્રિય બની છે. લોકોએ પણ તહેવારોના દિવસે પોતાની માલ મત્તા સાચવવા માટે સતર્ક રહેવાની ખુબ જ જરૂર છે. ઉપરાંત મજુરાગેટ સત્યકામ એપાર્ટમેન્ટમાં રહેતા ચંદ્રપ્રકાશ ગીરજાશંકર પાંડે મજૂરગેટથી રીક્ષામાં બેસી રીંગરોડ માર્કેટ વિસ્તારમાં નોકરીએ જઇ રહ્ના હતા. તે દરમ્યાન રીક્ષા ચાલક અને તેના ત્રણ સાગરીતોએ તેમને આગળ-પાછળ બેસવાનું કહી ખિસ્સામાંથી રૂ.૧૦ હજારનો મોબાઇલ ફોન ચોરી લીધો હતો. ત્યારબાદ સિવીલ ચાર રસ્તા કડીવાલા સ્કુલ પાસે ચંદ્રપ્રકાશને ઉતારીને તેઓ ભાગી ગયા હતા. બીજા બનાવમાં ગજ્જર ભવન હોસ્ટેલમાં રહેતો ૨૩ વર્ષીય અમન કૈલાશનાથ ગોયલ ઉધના મગદલ્લા રોડ ગાંધીકુટીરથી રીક્ષામાં બેઠો હતો. તે દરમ્યાન રીક્ષા ચાલક અને તેના સાગરીતોએ તેની નજર ચુકવી ખિસ્સામાંથી રૂ.૨૫,૫૦૦ની મત્તાનો મોબાઇલ ફોન ચોરી લીધો હતો. ત્યારબાદ બ્રેડલાઇનર સર્કલ પાસે ઉતારીને ભાગી ગયા હતા. આ બનાવ સંદર્ભે પોલીસે બે અલગ અલગ ગુનાઓ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.