(સંવાદદાતા દ્વારા) સુરત તા.૧૪
સુરતના અમરોલી વિસ્તારના અંજની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં રહેતાં અને કામ કરતાં પ્રવાસી કામદારો પૈકી પ૦૦થી વધુના કામદારોનું ટોળું આજે રસ્તા ઉપર ઊતરી આવી વતન ઓસ્સિા જવા માટેની માંગ સાથે ભારે હંગામો મચાવ્યો હતો. જેને લઇને પોલીસ દોડતી થઇ ગઇ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના અમરોલી વિસ્તારના અંજની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કામ કરતા અને અહીજ રહેતા પ્રવાસી કામદારો પૈકી ઓરિસ્સાવાસી કામદારોએ આજે પોતાના વતન જવાની માંગણી સાથે રસ્તા ઉપર ઊતરી આવ્યા હતા. આ કામદારોએ ભારે હંગામો મચાવ્યો હતો. તેમને પોતાના માટે જમવાનું લાવનાર ટેમ્પાને પણ પરત મોકલી આપ્યો હતો. તેમને ઓરિસ્સા જતી ટ્રેનમાં કામદારોને વતન મોકલવામાં ન આવતા હોવાનો આક્ષેપ કર્યા હતા. તેમણે માંગણી કરી હતી કે તેમને શક્ય હોય તેટલી ઝડપે વતન જવા માટે પરમિશન આપવામાં આવે. આ બનાવની જાણ થતા શહેર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જેમણે આ લોકોને કાબૂમાં લેવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા.