(સંવાદદાતા દ્વારા) સુરત તા.૨૭
કોરોના વાયરસને લઇને શહેરમાં લોકડાઉનની પરિસ્થીતી છે.માન દરવાજા વિસ્તારના પદમા નગરમાં આવેલી એક કરીયાણાની દુકાનને નિશાન બનાવી તસ્કરો તેમાંથી ચોખાની ૪૦ ગુણ અને ૬ તેલના ડબ્બા ચોરી કરી ગયા હતા. ઉપરાંત ચોરો દુકાનના સીસીટીવી કેમેરાને પણ ઉંધા કરી ગયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર કોરોનાની માહામારીના લોકડાઉન દરમિયાન સુરતના માનદરવાજા વિસ્તારના પદમાનગરની એક કરિયાણાની ગોડાઉનમાંથી તાળું ખોલી ૪૦ ગુણ ચોખા અને ૬ તેલના ડબ્બાની ચોરી થઈ હોવાનું બહાર આવ્યું છે. રાજુ કરીયાણા નામની દુકાનના ગોડાઉનમાં થયેલી ચોરી બાબતે વેપારીએ જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે ૭ વાગે પોલીસે દુકાન બંધ કરાવતા તેઓ ઘરે ચાલી ગયા હતા. આજે સવારે દુકાન અને ગોડાઉન સામે સામે હોવાથી દુકાન ખોલ્યા બાદ ગોડાઉન ખોલતા જ તમામ ચોખાની ગુણો અને તેલના ડબ્બા ગાયબ થઈ ગઈ હતી. સીસીટીવી કેમેરા પણ ઉંધા કરી દેવાયા હતા. કોઈ પરિચિત વ્યક્તિનું જ કામ કહીં શકાય છે. લગભગ લાખ રૂપિયાની ચોરી થઈ હોવાનું લાગી રહ્યું છે.