(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૧
એમડી ડ્રગ્સના રવાડે ચઢેલા કિન્નરને પોતાના ગૃપમાંથી કાઢી મુકતા તેણે પોતાના શરીર પર જાતે ઇજા કરી કિન્નરોને ખોટા પોલીસ કેસમાં ફસાવી દેવાનો પ્રયાસ કર્યો છે.
ભરીમાતા રોડ સાબરી નગરમાં રહેતા નિકીતા કુંવર પિન્કી કુંવર દાપુ માંગી પોતાનું ગુજરાન ચલાવે છે. એક મહિના પહેલાં વડોદરા ખાતે રહેતો અને હાલ લિંબાયત મિઠીખાડી આંબેડકર નગરમાં રહેતો સીમર કુંવર જાનવી કુંવર તેમની પાસે આવ્યો હતો. નિકીતા કુંવરને ગુરૂ તરીકે સ્વીકારી તેઓની સાથે રહેતો હતો. તે દરમ્યાન સીમર કુંવર એમડી ડ્રગ્સની લતે ચઢી ગયો હતો. તેની આ આદતને કારણે નિકીતા કુંવરે તેને કાઢી મુકયો હતો. જેથી ઉશ્કેરાયેલા સીમર કુંવરે પોતાના શરીર પર જાતે ઇજા કરી પોલીસ કેસ કરી નિકીતા કુંવરને ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ અવાર નવાર નિકીતા કુંવરને સીમર કુંવર હેરાન પરેશાન કર્યા કરતો હતો. સોમવારે પણ સીમર કુંવર નિકીતા કુંવરના ઘર પાસે ધસી આવ્યો હતો. જોર જોરથી બુમો પાડી પોતાના હાથ પગમાં ઇજા પહોંચાડી હતી. જેથી નિકીતા કુંવરે પોતાના મોબાઇલ ફોનમાં આ તમામ વિડીયો ઉતારી લીધો હતો. ત્યારબાદ સીમર કુંવર ત્યાંથી ચોકબજાર પોલીસ મથકમાં પહોંચી ગયો હતો. નિકીતા કુંવર વિરૂદ્ધ ખોટી ફરિયાદ દાખલ કરાવતા હોવાનું જાણવા મળતાં તેઓ પણ ત્યાં ધસી ગયા હતા. ચોકબજાર પોલીસ મથકમાં સીમર કુંવર વિરૂદ્ધ ફરિયાદ કરી યોગ્ય ન્યાયની માંગ કરી છે.