(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨
સુરતના કોટ વિસ્તારમાં રહેતા ગરીબ-મધ્યમ વર્ગના અને તેમાં પણ ખાસ કરીને લઘુમતિ સમુદાયના લોકોના બાળકોના ઉજ્જવલ ભવિષ્ય માટે એક માત્ર આશાનું કિરણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓ જ છે.જેને માત્રને માત્ર ચોક્કસ સમુદાયને નિશાન બનાવવાના આશયે તબક્કાવાર તાળા મરાય રહ્યા છે. ત્યારે સમિતિના ભાજપ શાસકો આવતી કાલે મળનારી સામાન્ય સભામાં કોટ વિસ્તારની વધુ બે શાળાઓને મર્જ કરવા માટે જઇ રહ્યા છે. આ બાબતની જાણ થતાં જ સમિતિના સમગ્ર શિક્ષકગણમાં આ મુદ્દે ચર્ચાનો વિષય બની રહેવા પામ્યો છે. આ એવી શાળાઓ છે કે જે પૈકી શાળા નં.૩૮માં વિદ્યાર્થીઓની સંખ્યા ૨૩૭ અને શાળા નં.૩૯માં ૧૬૦થી વધુ છે. જોકે આ શાળાઓ ભાજપ શાસકો એવા કપરા સમયમાં મર્જ કરવાનો નિર્ણય લઇ રહ્યા છે કે જ્યારે સુરત શહેર સહિત સમગ્ર વિશ્વ કોરોના જેવી મહામારી વચ્ચે ઝઝૂમી રહી છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે, જો આ બે શાળાઓ મર્જ કરવામાં આવશે તો તેના વિદ્યાર્થીઓને શાળાઓ શરુ થયા બાદ કરઈ રીતે બેસાડવામાં કઇ રીતે આવશે.. અત્રે નોંધનિય છે કે સમિતિના ભાજપ શાસકો પાછલા એક વર્ષમાં જ કોટ વિસ્તારની અંદાજીત છ જેટલી શાળાઓને મર્જ કરી ચુક્યા છે.જેમણા વાલીઓને આ બાબતે શાસકો દ્વારા જાણ સુદ્ધા ન કરાતા આવી શાળાઓના વિદ્યાર્થીઓના વાલીઓઅ ેભારે હોબાળો મચાવ્યો હતો. ત્યારે હાલમાં પણ સમિતિના શાસકોએ આ શાળાના આચાર્યો,શિક્ષકો કે વાલીઓનો કોઇપણ પ્રકારનો મત લેવાનું જ મુનાસીબ ન માની આવતી કાલના મિટિંગના એજન્ડામાં શહેરના કોટ વિસ્તારના રુસ્તમપુરાની શાળા નં.૩૮ અને ૩૯ને મર્જ કરવાના કામનો સમાવેશ કર્યો છે. જોકે આ મુદ્દે સમિતિના વિપક્ષ કોંગ્રેસના સભ્ય શફીભાઇ જરીવાલા અને નટુભાઇ પટેલને પુછતાં તેમણે બાબતને અત્યંત ખેદજનક અને લોકહિત વિરોધી દર્શાવી છે.તેમણે એ બાબત તરફ પણ ઇશારો કર્યો હતો કે ભાજપ શાસકોની આ નીતિ ચોક્કસ સમુદાયને નિશાન બનાવી તેમના સંતાનોને શિક્ષણથી વંચિત રાખવાનું સુઆયોજિત કાવતરૂ છે.