(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૨
શનિવારે સુરત શહેરમાં વધુ ૧૨ કેસો સામે આવ્યા છે. અત્યાર સુધી સુરતમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૬૬૩ પર પહોંચી છે. પોઝિટિવ દર્દીઓનાં મોતના પ્રમાણ સામે રીકવરી રેટ પણ વધુ જોવા મળી રહ્યા છે. પરંતુ શનિવારે વધુ ૩નાં મોત નીપજતા મહાનગરપાલિકાને રાજ્ય સરકારના રોષનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે કુલ મૃત્યુઆંક ૨૯ પર પહોંચ્યો છે. સુરત મહાનગરપાલિકાએ રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનની જાહેરાત કરી અલગ-અલગ વિસ્તારોની યાદી પણ બહાર પાડી છે. શનિવારે સુરતના હોટસ્પોટ અને રેડ ઝોનમાંથી વધુ ૧૨ પોઝિટિવ કેસો મળી આવ્યા છે. આ તમામને સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના સંપર્કમાં આવેલા પરિવારજનો અને અન્ય લોકોને સરકારી બસમાં યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલમાં ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. આમ સુરત શહેર અને જિલ્લા મળી કુલ ૬૬૩ કેસો નોંધાઇ ચૂક્યા છે. આ ઉપરાંત સુરત શહેરમાં વધુ ત્રણ પોઝિટિવ દર્દીઓનાં મોત નીપજતાં તંત્ર દોડતું થયું છે. જેમાં લિંબાયત અનવર નગરમાં રહેતા ૫૦ વર્ષના નસરીન અકીલશેખ, ગુલામ મોહંમદ અબ્દુલ રઝાક અને જયંતિલાલ ફીરકીવાલા નામના દર્દીઓનાં મોત નીપજ્યા છે. ગાઇડ લાઇન મુજબ એકતા ટ્રસ્ટના મુખ્ય કર્તાહર્તા અબ્દુલ રહેમાન મલબારી અને તેમની ટીમના સહયોગથી ત્રણેયની અંતિમવિધિ પૂર્ણ કરવામાં આવી હતી અને ત્યારબાદ કબ્રસ્તાન અને સ્મશાન ભૂમિને સેનિટાઇઝીંગની કામગીરી કરવામાં આવી હતી.