(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૬
કોરોનાના વધુ પાંચ પોઝિટિવ દર્દી સાથે આંકડો ૧૯ પર પહોંચ્યો છે. શહેરમાં વધુ પાંચ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. એક અડાજણના ૬૨ વર્ષીય વૃદ્ધ, ૪૫ વર્ષીય મહિલા, પાલનપુર જકાતનાકાના ૪૯ વર્ષીય વૃદ્ધ, બેગમપુરાની મહિલા, નવાગામ ડિંડોલીના એક પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેમાં ત્રણનો મુસાફરીનો ઈતિહાસ છે જ્યારે બેનો કોઈ મુસાફરીનો ઈતિહાસ નથી. ૮ રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. યાસમીન અબ્દુલ વહાબ કાપડિયાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે, સુરત શહેરમાં અત્યાર સુધીમાં ૧૯ પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં બેનાં મોત થયા છે અને પાંચ રિકવર થયા છે. ૫ દર્દી સાજા થતાં તેમને રજા આપી દેવાઈ છે. અત્યાર સુધીમાં ૨૧૩ શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાંથી ૧૯૧ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. પાંચના રિપોર્ટ પેન્ડિંગ છે. આજે રાંદેર ગોરાટ રોડ પર ૪૫ વર્ષીય મહિલા યાસમીન કાપડિયા તેમજ અહેસાન ખાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સિવાય ગઈકાલે જેમને કોરોના પોઝિટિવ આવ્યો હતો તે રમેશ રાણાના સાસુમા દયાકોર બેન ચપડિયાને પણ આજે પોઝિટિવ આવતા પાલિકાની ચિંતા વધી ગઈ છે.
સુરતના રાંદેર ગોરાટ રોડ પર આવેલા બે પોઝિટિવ દર્દીઓને લીધે આખા ગોરાટ વિસ્તારને માસ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યો છે જ્યારે બેગમપુરા વિસ્તારમાં બે પોઝિટિવ આવ્યા હોવાથી તે વિસ્તારને પણ માસ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યો છે.