(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૧૯
દેશમાં કોરોના મહામારીને લઇને લાગુ કરાયેલા લોકડાઉન ૪માં રાજય સરકારે કન્ટેન્મેન્ટ અને નોન કન્ટેન્મેન્ટ ઝોનની જાહેરાત કરી લોકોને કેટલીક છુટછાટ આપી છે.જેથી સુરત શહેરનું જનજીવન ફરી ધબકતું થઇ જવા પામ્યું છે. શહેરમાં લોકો વાહનો લઇને નિકળતા જોવા મળ્યા હતા. બીજી બાજુ કોરોના વાયરસનો કહેર શહેર પરથી હજુ સંપુર્ણપણે દૂર થયો નથી. સુરત શહેરમાં વધુ ૧૧ પોઝિટિવ કેસો સામે આવ્યા હતા. જે સાથે શહેરમાં કુલ પોઝિટિવ કેસોનો આંક ૧૧૦૧ પર પહોંચી જવા પામ્યો છે. જ્યારે સમગ્ર સુરત જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક ૧૧૮૪ પર પહોંચી ગયો છે. આ તબક્કે મરણાંક ૫૪ પર પહોંચી જવા પામ્યો છે.
રાજય સરકારે સોમવારે મોડી સાંજે કન્ટેન્મેન્ટ અને નોન કન્ટેન્મેન્ટ ઝોનમાં વેપાર ધંધો શરૂ કરવાની છુટછાટને લઇ હજુ પણ લોકોમાં ગેરસમજ જોવા મળી રહી છે. તે દરમ્યાન મંગળવારે સવારથી જ લોકો નોકરી ધંધે જતાં જોવા મળ્યા છે. બે મહિના બાદ શહેરી જનજીવન ધબકતુ જોવા મળ્યુ છે. તે દરમ્યાન સુરત શહેરમાં કોરોના વાયરસને ઘાટ હજુ પણ તળ્યો નથી. અને લોકલ ટ્રાન્સમિશનના કારણે કદાચ પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થાય તો નવાઇ નહીં. મંગળવારે બપોર સુધી ૧૧ કેસો સપાટી પર આવ્યા છે. આ સાથે સુરત શહેરમાં પોઝિટિવ કેસનો આંકડો ૧,૧૦૧ પર પહોંચી ગયો છે. જયારે જિલ્લા ૮૩ કેસો નોંધાયા છે. આમ સુરત શહેર અને જિલ્લા મળી કુલ ૧,૧૮૪ કેસો થયા છે. એની સામે અત્યાર સુધી ૭૬૦ લોકો કોરોનાને મ્હાત આપી ચુકયા છે. આમ સુરત શહેરમાં કોરોના પોઝિટિવનો ડિસ્ચાર્જ રેટ ૬૬ ટકા હોવાનું જાણવા મળ્યુ છે. આ ઉપરાંત મૃત્યુઆંક સંયામાં પણ વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં સુરત શહેરમાં કોરોનામાં ૫૪ વ્યક્તિઓ મોતને ભેટ્યા છે જ્યારે કોરોના સંક્રમિત દર્દીઓની હાલત ગંભીર જોવા મળી રહી છે. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં આજે ૨૪૫ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી ૩૮- દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં ૧- વેન્ટિલેટર, ૧૮- બીપેપ અને ૧૯ દર્દીઓ ઓક્સિજન પર હોવાથી ડોક્ટરોની ટીમ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.