(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૩
સુરતમાં કોરોનાની પ્રકોપ યથાવત્‌ રહેતા દર્દીઓની સંખ્યામાં સાથે મૃત્યુઆંક પણ રોજ વધારો થઈ રહ્યો છે. બુધવારે વધુ એક દર્દીનું મોત નિપજતા અત્યાર સુધીમાં સુરત શહેરમાં કોરોના ૭૫ અને જિલ્લામાં બે વ્યક્તિઓનાં મોત મળી કુલ ૭૭નાં મોત થયા છે. જ્યારે રોજના ગંભીર હાલતના દર્દીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહી છે. આ ઉપરાંત કોરોના વાયરસના નવા ૩૩ કેસો સામે આવતા અત્યાર સુધી ૧૭૨૯ પર પોઝિટિવનો આંક પહોંચ્યો છે. લોકડાઉન પાર્ટ ૪ પૂર્ણ થયા બાદ સોમવારે અનલોક-૧નો પ્રારંભ થતાં શહેરમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યા છે. દૈનિક બપોરે ૨૮થી ૩૦ જેટલા કેસો આવી રહ્યા છે. ૨૪ કલાકમાં કેસની સંખ્યા ડબલ થઈ રહી છે. મંગળવારે ૬૦ જેટલા કેસો આવ્યા હતા. બુધવારે સાંજ સુધી નવા ૩૩ કેસો સામે આવતા તંત્રની ઊંઘ હરામ થઈ ગઈ છે. તંત્ર દ્વારા વારંવાર લોકોને સાવચેતીની સાથે સરકારી ગાઈડલાઈન ફોલો કરવાની અપીલ કરવામાં આવી રહી છે તેમ છતાં લોકો હજુ પણ ગફલતમાં રહી કોરોના વાયરસને આમંત્રણ આપી રહ્યા છે. સુરત શહેરમાં અત્યાર સુધી ૧૭૨૯ કેસો થયા છે તેની સામે ૧૨૦૮ લોકો સાજા પણ થયા છે.