સુરત, તા.૮
કોવિડ-૧૯ની મહામારી વચ્ચે સુરત શહેરની ખાનગી હોસ્પિટલોમાં કોરોના દર્દીઓ પાસેથી લાખો રૂપિયા વસૂલવાનો ધંધો શરૂ દીધી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. સુરત શહેરના અઠવાગેટ સ્થિત ટ્રાઈ સ્ટાર હોસ્પિટલ દ્વારા એક કારોનાના દર્દીને ૨૪ દિવસનું ૧૨.૨૩ લાખનું બિલ પકડાવી દીધું છે. જ્યારે ૨૪ દિવસની સારવાર બાદ પણ દર્દી અશક્ત હોવાનું જણાવી રહ્યા છે. ગુલાબ હેદર ગુલાબ મુસ્તુજા શેખ (ઉ.વ.૫૦) પરિવાર સાથે સુરતમાં રહે છે. ગત ૧૩મી મેના રોજ શરદી-ખાંસી થતાં ફેમિલી ડૉક્ટર પાસે ગયા હતા. જ્યાં કોરોના લક્ષણો હોવાની સંભાવના વ્યક્ત કરતાં ગુલાબ હેદર ડરના માર્યા તાત્કાલિક દાખલ થવાની વાત કરી હતી. ફેમિલી ડૉક્ટરે એકતા ટ્રસ્ટની એમ્બ્યુલન્સ બોલાવી સિવિલ લઈ જવાની વાત કરતાં ના કહ્યું હતું જેને લઈ ટ્રાઈ સ્ટાર હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
ગુલાબ દેહરના ભાઈ ગુલામ મસ્તુફાએ જણાવ્યું હતું કે, ટ્રાઈ સ્ટાર હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે, તેના ૪૮ કલાકમાં જ રિપોર્ટ ફરી નેગેટિવ આવી ગયો હતો. જો કે, તેમને દાખલ રાખવામાં આવ્યા હતા. ગુલાબ હેદરને પ્રતિબંધિત વોર્ડમાં દાખલ કરાયા બાદ પરિવારને મળવા પણ દેવાતા ન હતા. મોબાઈલ વીડિયો કોલિંગથી વાત કરી ગુલાબ હેદર પરિવારને જોઈ શકતા હતા. ફેફસા ખરાબ થઈ ગયા છે અને કફ થઈ ગયા છે એટલે ગળામાં કાણું પાડી કફ કાઢ્યા છે, એમ ડૉક્ટર કહેતા હતા અને ૧૪ દિવસ સુધી વેન્ટિલેટર પર રાખ્યા હતા.
ગુલામ મસ્તુફાએ વધુમાં જણાવ્યું હતું કે, ૧૨ લાખ ૨૩ હજારનું બિલ ચૂકવ્યા બાદ શનિવારના રોજ રજા અપાઈ છે. ૧૩થી ૩૦ મે સુધીમાં ૧૦ એક્સ રે, ૨૦ લેબોરેટરી રિપોર્ટ, ૨-૩ સિટી સ્કેન સહિત ૬૫ બિલ બનાવ્યા હતા. ૪.૨૨ લાખનું દવાનું બિલ અને ૮.૦૧ લાખનું હોસ્પિટલનું બનાવી આપ્યું હતું. ગુલાબ હેદરને છેલ્લા ૫ દિવસ ખીચડી ખવડાવતા હતા. ૪-૫ દિવસ બેડ પર જ મળ થઈ જતાં એ પણ સાફ કર્યા વગર રાખી મૂકતા હતા. પરિવારને ડરાવી ૧૪મીની સવારે વેન્ટીલેટર પર મૂકી દીધા હતા અને ન્યુમોનિયા હોવાનું કહ્યું હતું. ગુલાબ હેદર ૫ ભાઈઓમાં સૌથી તંદુરસ્ત હતા. આજે અશક્ત થઈ ગયા છે. ૨૪ દિવસ કોરોનાની સારવાર કરાવી પણ અશક્ત થઈને ઘરે પહોંચ્યા છે. ચાલતા-ચાલતા હોસ્પિટલ ગયા હતા આજે પગ પણ કામ કરતા નથી.
ગુલામ હેદરને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ત્યારે તેમની તબિયત ખુબ સારી અને એકદમ ફીટ હતી પરંતુ હોસ્પિટલે શું કર્યું કે, તેમને ઊભા થવાના પણ ફાંફાં પડી ગયા છે. હવે તેમનાથી ઊભા થવાતું નથી અને પગે ચાલવામાં પણ ખુબ તકલીફ પડી રહી છે. સ્ફૂર્તિ સાથે ગયેલા ગુલામ હેદરને હવે ટેકાના સહારે ચાલવું પડશે એવી સ્થિતિ છે.