(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૯
અનલોક-૧માં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા છેલ્લા ૬ દિવસથી સતત વધી રહી છે. મહાનગરપાલિકા અને જિલ્લા તંત્ર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ શહેરમાં મંગળવારે બપોર સુધી નવા ૩૨ દર્દીઓ મળી પોઝિટિવ કેસ સાથે આંકડો ૨,૩૮૮ પર પહોંચ્યો છે. અત્યાર સુધી મૃત્યુઆંક ૮૭ થયો છે. કોરોના સામે અત્યાર સુધીમાં ૧૪૭૬ વ્યક્તિઓએ કોરોનાને મ્હાત આપી છે. ૬ દિવસ પછી કોરોનાના દર્દીઓની સંખ્યામાં આંશિક ઘટાડો થતાં તંત્રએ રાહત અનુભવી છે. જો કે, સંપૂર્ણપણે કોરોના નાબુદ થાય તે દીશામાં પાલિકા પ્રયત્ન કરી રહ્યા છે. સુરત નવી સિવિલ હોસ્પિટલ વોર્ડમાં આજે ૪૧૨ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી ૨૦૪- દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં ૭- વેન્ટિલેટર, ૧૭- બીપેપ અને ૧૮૦ દર્દીઓ ઓક્સિજન પર હોવાથી ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ સહિતની ટીમ રાતદિવસ ખડે પગે દર્દીઓની સારવાર આપી રહ્યા છે.
મંગળવારે બપોરના ૧૨ વાગ્યા સુધી નવા ૩૨ કેસો સામે આવતા તંત્રની ઊંઘ હરામ થઇ ગઇ છે. જિલ્લામાં કોરોના વાયરસના કુલ કેસ ૧૭૭ નોંધાયા છે. સુરતમાં અત્યાર સુધી ૨,૩૮૮ કેસો થયા છે. તેની સામે ૧,૪૭૬ લોકો સાજા પણ થયા છે. સુરતનો રીકવરી રેટ ૬૪ ટકા છે.