સુરત, તા.૬
સુરતમાં દિવસે-દિવસે કોરોનાનો વ્યાપ વધતો જઈ રહ્યો છે. ત્યારે આજરોજ વધુ ૨૦૧ જેટલા કોરોના પોઝિટિવના નવા કેસ નોેંધાતા કુલ પોઝિટિવ કેસોની સંખ્યા ૫૮૯૪ જેટલી થવા પામી છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૪ વ્યક્તિના મોત થતા કુલ મૃત્યુઆંક ૨૨૬ થવા પામ્યો છે જેને પગલે આરોગ્યતંત્ર અને સરકારની ચિંતામાં વધારો થવા પામ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી કતારગામ અને વરાછા વિસ્તારમાં કોરોનાએે જાણે માઝા મૂકી હોય તેમ થોકબંધ કેસો સપાટી પર આવી રહ્યાં છે. શહેરમાં સતત વધતા જતા કેસોને પગલે રાજયના મુખ્યમંત્રી પણ સુરતની મુલાકાતે આવી ચૂક્યા છે. દરમિયાન સોમવાર સુધીમાં વધુ ૨૦૧ કેસ સપાટી પર આવી ચૂક્યા છે. રોકેટની ગતિએ સતત વધતા જતા કેસોને લઈને મનપા કમિશનર દ્વારા આજે કતારગામ, વરાછા એ અને બી, રાંદેર ઝોન વિસ્તારમાં લોકોને વધુ કાળજી લેવા અપીલ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાએ ભારે હાહાકાર મચાવ્યો છે. તંત્રના પ્રયાસો વચ્ચે પણ કોરોના કાબૂમાં આવતો નથી. અને દિનપ્રતિદિન તીવ્રગતિએ કેસો બહાર આવી રહ્યાં છે. સુરત શહેરમાં આજસુધી ૫૮૯૪ પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે અને મરણાંક ૨૨૬ થયો છે. હજુ પણ કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. સુરતમાં સતત કેસો વધતા જતા સરકારની પણ ચિંતા વધી ગઈ છે.