(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૭
કોરોના મહામારીમાં છેલ્લા બે દિવસથી સેમ્પલ ટેસ્ટીંગના રિપોર્ટમાં સંખ્યબંધ પોઝિટિવ કેસો આવતા આરોગ્ય વિભાગ દોડતો થયો છે અને ખાસ કરીને માન દરવાજા વિસ્તારમાં પોઝિટિવ દર્દીઓ મળી આવતા સૌથી મોટો હોટસ્પોટ માન દરવાજા બની ગયો છે. બીજી તરફ મહાનગર પાલિકાએ જાહેર કરેલા પોઝિટિવ દર્દીઓમાં નવી સિવિલ હોસ્પિટલના તબીબ, વડોદની સાત વર્ષની બાળકી સહિત નવા ૨૧ પોઝિટિવ કેસ નોંધાયા છે.
આજે શહેરમાં જાહેર કરાયેલા પોઝિટિવ દર્દીના કેસ પૈકીમાં જહાંગીરપુરા, બમરોલી અને વડોદ વિસ્તારમાં પ્રથમવાર કોરોના વાયરસે દેખાદેધી છે જેની પાછળ સઘન સેમ્પલીંગ ઝૂંબેશના કારણે કોમ્યુનીટી કેસોની સંખ્યામાં વધારો થયો છે. સુરત શહેર ઉપરાંત રૂરલ વિસ્તારમાં પણ આજે એક પોઝિટિવ કેસ જાહેર થયો છે. ઓલપાડના સાયણ વિસ્તારના યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવતા કોરોના વાયરસ શહેરની બહાર રૂરલ વિસ્તારમાં પોઝિટિવ દર્દીની સંખ્યા ત્રણ પર પહોંચ્યો છે.
આ ર૧ પૈકી બે કેસ શાકભાજીની લારીવાળાઓના હોવાથી મનપા કમિશનરે શાકભાજી વેચતા તમામ લારીવાળાનું ટેસ્ટિંગ થશે તેવું જણાવ્યું હતું.
ઉપરાંત, મોડી સાંજે સુરતનાં માન દરવાજા વિસ્તારમાં વધુ ૨૫ પોઝિટિવ કેસ નોંધાતા કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો ૧૪૦ પર પહોંચી ગયો હતો. આમ એક દિવસમાં ૪૬ પોઝિટિવ કેસ નોંધાતા તંત્રમાં ચિંતા પ્રસરી જવા પામી છે.