(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૧૫
કોરોના વાયરસ સંદર્ભે આજે સુરત ખાતે કોવિડ-૧૯ના ખાસ ફરજ પરના અધિકારી અને નાણાં વિભાગના સેક્રેટરી મિલિન્દ તોરવણેએ સુરત શહેરમાં સરકાર દ્વારા કોરોના વાયરસની સામે કરેલી તૈયારીની વિગતો આપી હતી. ખાસ અધિકારી મિલિન્દ તોરવણેના જણાવ્યા મુજબ સુરત શહેર અને જિલ્લામાં માઈક્રો પ્લાનિંગ કરીને કોવિડ દર્દીઓને સારવારમાં કોઈ મુશ્કેલી ન પડે તેની તમામ તકેદારીઓ રાખવામાં આવી રહી છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, કોવિડ પોઝિટિવ દર્દી માટે હોસ્પિટલ અંતર્ગત હાલની સારવાર વ્યવસ્થામાં ટોટલ બેડની સંખ્યા ૨૩૭૪ છે. હાલમાં દર્દીઓની સંખ્યા ૧૫૭૯ છે. ખાલી બેડની સંખ્યા ૭૭૦ છે. જ્યારે હોસ્પિટલમાં વધારાની બેડની વ્યવસ્થામાં નવી સિવિલ સ્ટેમ હોસ્પિટલ ૭૯૫ તા.૨૦ જુલાઈ, ૨૦૨૦ સુધીમાં તબક્કાવાર, કિડની હોસ્પિટલ ૮૦૦ તબક્કાવાર ૧૫ ઓગષ્ટ સુધીમાં ચાલુ થઈ જશે.
સમરસ હોસ્ટેલમાં હાલ ૫૦૦ બેડની ક્ષમતા છે. જેમાં હાલ ૧૨૫ દર્દીઓ છે. વધારાની વ્યવસ્થા તરીકે માલીબા કેમ્પસ ખાતે ૫૦૦ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. કોમ્યુનિટી કોવિડ સેન્ટરના હાલ ૭ સેન્ટરોમાં ૭૫૦ બેડ છે અને ૬૨૫ વધારી શકાય એટલી ક્ષમતા છે.
સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં હોમ આઈસોલેશન ૭૦૭, હોટલ આઈસોલેશન ૯૩ વ્યક્તિને સારવાર અપાઈ રહી છે. સર્વેની કામગીરી સુરત મહાનગરપાલિકાની ૨૦૭૬ ટીમ દ્વારા ૩.૨૧ લાખ ઘરોનું ડોર ટુ ડોર સર્વેલન્સ કરી ૧૦ લાખથી વધુ નાગરિકોને આવરી લેવાયા છે. સુરત જિલ્લાની ૧૦૩૬ ટીમ દ્વારા સાત રાઉન્ડ દરમિયાન ૪૧ લાખ ઘરોનું ડોર ટુ ડોર સર્વેલન્સ કરી ૧.૫૨ કરોડથી વધુ નાગરિકોને આવરી લેવાયા છે.