(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨
કોરોના વાયરસના લક્ષણો ધરાવતા વધુ ૧૩ જેટલા વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે કોરોનાની સારવાર લઇ રહેલી શહેરના ફુલપાડા વિસ્તારની એક મહિલાનું સ્મીમેર હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. પરંતુ તેણીનો કોરોનાનો રિપોર્ટ પોઝીટિવ આવ્યો હતો. જ્યારે કોરોના વાયરસની સારવાર લઇ રહેલા વધુ બે દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. જેમણે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર આજે કોરોના વાયરસથી સંક્રમીત વધુ ૧૩ શંકાસ્પદ દર્દીઓ વિવિધ હોસ્પિટલોમાં નોંધાયા છે. જેમાં વેસુમાં રહેતો ૧૪ વર્ષીય કિશોર, ફુલપાડામાં રહેતી ૪૦ વર્ષીય મહિલા, છાપરાભાઠા વિસ્તારમાં રહેતી ૭૦ વર્ષીય વૃધ્ધ, પુણાગામમાં રહેતો ૨૬ વર્ષીય યુવકને શંકાસ્પદ કોરોના વાયરસના લક્ષણો દેખાતા સ્મિમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પુણાગામમાં રહેતો ૨૬ વર્ષીય યુવક, પાલમાં રહેતી ૬૧ વર્ષીય વૃધ્ધાને પણ ખાંસી, શરદી અને તાવના લક્ષણો દેખાતા સિવીલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમજ પાલમાં રહેતા ૮૦ વર્ષીય વૃધ્ધ રાજસ્થાન ટ્રાવેલ્સ કરીને ઘરે આવ્યા હતા. તેને પણ શંકાસ્પદ કોરોના વાયરસના લક્ષણો દેખાતા સિવીલમાં ખસેડાયા છે. આ ઉપરાંત પાલમાં રહેતા ૫૮ વર્ષીય આધેડની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવા છતાં લક્ષણો દેખાતા નાનપુરાની આનંદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દિલ્હીગેટ વિસ્તારમાં રહેતો અને ઓરિસ્સા, યુપી, કોલકત્તાની ટ્રાવેર્લ્સ કર્યા બાદ ૧લી એપ્રિલના રોજ સુરત આવેલી ૨૬ વર્ષીય મહિલાને કોરોના વાયરસના લક્ષણો દેખાતા સ્મિમેરમાં ખસેડાઇ છે. તદ્દપરાંત પીપલોદ ઇચ્છાનાથમાં રહેતા ૨૧ વર્ષીય યુવક દુબઇની ટ્રીપ માર્યા બાદ ૧૪મી માર્ચના રોજ સુરત આવ્યો હતો. આ અંગે તંત્રને જાણ થતાં તેને તત્કાલ સારવાર અર્થે મિશન હોસ્પિટલમાં દાખલ કર્યો છે. અડાજણમાં રહેતા ૫૫ વર્ષીય આધેડ ભાવનગરથી આવ્યા બાદ લક્ષણો દેખાતા મિશનમાં ખસેડાયા છે. અન્ય એક કિસ્સામાં સીટીલાઇટ વિસ્તારમાં રહેતી ૨૦ વર્ષીય યુવતી કેનેડાથી સુરત આવી હતી. ૧૯મી માર્ચના રોજ આવેલી યુવતીમાં લક્ષણો દેખાતા અઠવાલાઇન્સની મિશન હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી છે. તેમજ નવસારી બજારમાં રહેતા એક વર્ષના બાળકની કોઇ ટ્રાવેર્લ્સ હિસ્ટ્રી ન હોવા છતાં તેનામાં કોરોના વાયરસના લક્ષણો દેખાયા હતા, અને મહિધરપુરામાં રહેતા ૩૨ વર્ષીય યુવક મુંબઇથી આવ્યા બાદ તેને પણ લક્ષણો દેખાયા હતા. આમ બંને જણાંને મિશનમાં ખસેડાયા છે.
ભારતમાં સૌથી નાની અવસ્થામાં કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો દેખાયા હોય તેવો સુરતમાં પ્રથમ કેસ દેખાયો છે. તેની વયમર્યાદા માત્ર ૧ વર્ષની છે. હાલ આ બાળકનો રિપોર્ટ પેન્ડીંગ છે.
શહેરના ઘોડદોડ રોડના કરીમાંબાદ વિસ્તારનો ૨૩ વર્ષિય યુવકના કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે શ્રીલંકા અને યુએઇ થઇને સુરત આવ્યો હતો. જેને ગત તા.૧૯મી માર્ચના રોજ નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.જેનો આજે બ્લડ રિપોર્ટ નેગેટિવ આવતાં તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી.
જ્યારે શહેરના સગરામપુરાના કૈલાસ નગર ખાતે રહેતી એક ૪૫ વર્ષિય મહિલાને નવી સિવિલ હોસ્પિટલમાં ગત તા.૨૧મી માર્ચના રોજ દાખલ કરવામાં આવી હતી. જેણીનો પણ કોરોનાનો રિપોર્ટ આજે નેગેટિવ આવતાં તેણીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
સુરત મનપા સંચાલિત સ્મિમેર હોસ્પટલમાં કોરોના વાયરસના શંકાસ્પદ રોગની સારવાર લઇ રહેલી ફુલપાડા વિસ્તારની મહિલાનું આજે મોત નિપજ્યું જેણીનો કોરોનાનો રિપોર્ટ જોકે નેગેટિવ આવ્યો હતો.
આ સાથે અત્યાર સુધી સુરતમાં ૧૪૭ શંકાસ્પદ કેસો નોંધાયા છે. સુરત અને જીલ્લા મળી ૧૨ પોઝીટીવ અને ૧૨૨ના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. અને ૧૧ના રિપોર્ટ પેન્ડીંગ છે.