(સંવાદદાતા દ્વારા) સુરત તા.૧૧
સુરત સહિત ગુજરાતભરમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. સુરત શહેરમાં રોજબરોજ ૨૦૦થી આસપાસ કોરોના વાયરસના સત્તાવાર દર્દીઓ નોંધાઈ રહ્યાં છે. સુરત શહેરમાં વણસતી જતી કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેટલાક ધંધા-રોજગાર, ઉદ્યોગગૃહો દ્વારા સ્વયંભૂ લોકડાઉન કરી રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે. અનલોક-૨ બાદ ધંધા-રોજગાર ધમધમતા થઈ ગયા છે. જેને કારણે કોરોના વાયરસનું સંક્રમણ વધી ગયું છે. જેને ધ્યાનમાં ખાસ કરીને હીરા ઉદ્યોગ-કાપડ ઉદ્યોગ સહિતના ઈન્ડોર ઓફિસો માટે સુરત મહાનગરપાલિકાએ કડક માર્ગદર્શિકા જાહેર કરી હતી. આ માર્ગદર્શિકાનું કડક પાલન નહીં કરનારા સામે દંડનીય તેમજ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. એક તરફ કોરોનાનું વધતુ સંક્રમણ અને બીજી તરફ માર્ગદર્શિકાનું પાલન કરવામાં થતી ચૂકથી દંડનીય કાર્યવાહીથી ધંધા-રોજગાર ધરાવનાર લોકો પણ અકળાય ઉઠ્યા છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેટલાક ધંધા-રોજગારવાળા જેમ ખાસ કરીને વધુ કર્મચારીઓ ધરાવતા ઉદ્યોગગૃહો ડાયમંડ યુનિટો અને ઓફિસો પૈકીના કેટલાક લોકો સ્વયંભૂ લોકડાઉનનું પાલન કરવા માટે મજબૂર બની રહ્યા છે.