(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૧૩
કોરોનાની સામે સમગ્ર દેશ ઝઝુમી રહ્યો છે, ત્યારે કોરોના વાઇરસની સામે ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ તરીકે ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ દિવસરાત એક કરીને દર્દીઓના જીવન બચાવવામાં વ્યસ્ત છે. પોતાની ફરજ દરમિયાન ક્યારેક ડોક્ટરોને પણકોરોનાનો ચેપ લાગતો હોય છે, પરંતુ દર્દીઓની સારવાર માટે અડગ રહેતા ડોક્ટરો જીવના જોખમે પણ ફરજ બજાવવાનું ચુકતા નથી. છેલ્લા ત્રણ મહિનાથી થાક્યાં વિના કોરોના દર્દીઓની સારવાર સેવા કરી રહેલા નવી સિવિલના નવલોહિયા ડોક્ટર્સનો જોમજુસ્સો હજુ પણ અકબંધ છે.કોરોનાનું નામ સાંભળતા શરીરમાં ભયની કંપારી છુટી જાયછે.ત્યારે સતત કોરોના વાઇરસની અજ્ઞાત હાજરી વચ્ચે કોરોના ગ્રસ્ત દર્દીઓની સારવાર કરતા ડોક્ટરોની હિંમતને દાદ આપવી પડે તેમ છે. કોરોના સામે લડી સ્વસ્થ થઇ કોવિડ ઓ.પી.ડી. ફરજ બજાવતાં ડો.મયુર કલસરિયા એમ.ડી. (ઇમરજન્સી મેડિસીન) છેલ્લા સાડા ત્રણ વર્ષથી સુરતની નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં સિનિયર રેસિડેન્સ ડોક્ટર તરીકે ફરજ બજાવે છે. ડો.મયુર તા.૧૬મી એપ્રિલના રોજ કોરોના સંક્રમિત બન્યા હતા. ૧૦ દિવસની સારવાર બાદ સાજા થઇને તા.૧૦મી મેના રોજ તેઓ પુનઃ કોરોના પોઝિટિવ દર્દીઓની સેવા માટે હાજર થઇ ગયા હતા. કોરોનાને મહાત આપીને સતત છેલ્લા ત્રણ મહિનાથી કોવિડ ડ્યુટીમાં છે. કોરોનામુક્ત થયા બાદ તા.૧૦મી મે પછી સતત કોરોના પોઝિટિવ વોર્ડમાં ફરજ બજાવી રહ્યાં છે, અને દર્દીની સેવામાં લાગી ગયા છે. ડો.મયુર જણાવે છે કે સિવિલના રોટેશન શિડ્યુલ પ્રમાણે મારી કોવિડ ઓપીડીમાં ડ્યુટી છે.કોવિડ ઓપીડીમાં છેલ્લા પાંચ-સાત દિવસમાં દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. સુરતમાં નોંધાતા પોઝિટિવ કેસો પૈકી પ૦ ટકા કેસો ઓક્સિજન સપોર્ટની જરુરીયાત ધરાવતાં હોય છે, જ્યારે ૧૦ ટકા દર્દીઓ સિરિયસ હોય છે.જેથી ઓપીડીના ગ્રાઉન્ડ ફલોર પર જ ઓક્સિજન એરિયા બનાવાયો છે. ઓક્સિજનની જરુરીયાતવાળા દર્દીઓની મુશ્કેલી ન પડે અને સરળતાથી એડમિટ કરી શકાય એ માટે સેમી ક્રિટીકલ આઇસીયુ અને આઇસીયુ ગ્રાઉન્ડ ફલોર પર જ તૈયાર કરવામાં આવ્યા છે. જ્યાં ઓપીડીથી સીધા જ તેમને સેમી ક્રિટીકલ આઇસીયુમાં શિફટ કરવામાં આવે છે. દર્દીઓનું જીવન બચાવવું એ અમારી પ્રાથમિકતા રહે છે. જેથી સ્થિર હાલત ધરાવતા કે ક્રિટીકલ દર્દીઓને યોગ્ય સારવાર મળે એના શક્ય તેટલા તમામ પ્રયાસ કરીએ છીએ.