(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૬
એક અઠવાડિયા માટે બંધ કરાયેલા હીરાબજાર અને હીરાના એકમોની મુદત લંબાવવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. કલ્સ્ટર વિસ્તારમાં આવેલા હીરાબજાર તા.૯મી અને હીરાના એકમો તા.૧૩મી સુધી બંધ રહેશે. આ અગાઉ એક અઠવાડિયા માટે હીરાબજાર સહિતનો વિસ્તાર કલ્સ્ટર જાહેર કરાયો હતો. સુરત શહેરમાં કોરોના સંક્રમણના કિસ્સા ટેકસ્ટાઈલ અને ડાયમંડ ઉદ્યોગમાંથી વધુ વકર્યા હોવાથી, પ્રશાસન દ્વારા નાછૂટકે કડક કાર્યવાહી કલ્સ્ટરનો અમલ જાહેર કરીને કરવામાં આવી હતી. સોશિયલ ડિસ્ટન્સિંગનો અમલ કરવામાં નહીં આવતો હોવાની અને માસ્ક પહેરવા બાબતે કાળજી દાખવવામાં આવતી નહીં હોવાની ફરિયાદો બાદ એક અઠવાડિયા માટે કલ્સ્ટર જાહેર કરાયું હતું. બીજી તરફ, ટેક્સટાઈલ ઉદ્યોગ માટે પણ હવે વધુ સખ્તાઈ બતાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે માર્કેટમાંથી એક કે બે કેસ મળી આવવાના કિસ્સામાં જે તે માર્કેટને કલ્સ્ટર જાહેર કરીને બંધ કરવાનું વિચારવામાં આવ્યું છે. ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારમાં પણ કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા હોવાની હકીકતો બહાર આવી છે.