(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૨૩
બાળ મજૂરી નાબૂદી અભિયાન અંતર્ગત ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક કલેકટર કચેરીના સભાગૃહમાં નિવાસી અધિક કલેક્ટર એસ.ડી. વસાવાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.બેઠકમાં ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સ કમિટીની રૂપરેખા આપતા નાયબ શ્રમ આયુક્ત(ચાઈલ્ડ લેબર) એ.એસ.ગાંધીએ જણાવ્યું હતું કે, ગરીબ વર્ગ કે મધ્યમવર્ગના કોઇ પણ બાળક બાળ મજૂરીના દૂષણનો ભોગ ન બને એની સૌએ તકેદારી રાખવાની આપણી સહિયારી ફરજ છે. તેમણે બાળકો મજૂરીએ નહીં, પણ શાળાએ જાય તે જોવાની જવાબદારી સમગ્ર સમાજની હોવાનું જણાવ્યું હતું.
આ અભિયાન હેઠળ શ્રમ વિભાગ દ્વારા મે મહિના દરમિયાન વિવિધ સ્થળોએ ૦૩ રેડ પાડી ૦૭ બાળકો અને અને જૂન મહિના દરમિયાન ૧૧ રેડ પાડી ૦૮ બાળમજૂરોને મુક્ત કરાવ્યાં હતા. આ બાળમજૂરોના કરાયેલા શૈક્ષણિક પુનર્વસનની વિગતો શ્રી ગાંધીએ આપી હતી. આ બેઠકમાં શ્રમ વિભાગના અધિકારીઓ, ચાઈલ્ડ લેબર જાગૃતિ માટે કાર્યરત સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.