(સંવાદ દાતા દ્વારા)
અમદાવાદ, તા.૬
સુરતના વેસુના નવા સર્વે નંબર ૨૮૦ વાળી જમીન બોગસ દસ્તાવેજના આધારે પચાવી પાડવાના કેસમાં સુરતના ઉદ્યોગપતિ વસંતભાઇ ગજેરાએ ચાર્જશીટને રદ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જે અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે અને હાઇકોર્ટના વચગાળાના આદેશને યથાવત રાખ્યો છે. થોડા સમય પહેલા હાઈકોર્ટે અરજદારની અરજી ફગાવી દીધી હતી અને તેને રૂપિયા ૨૫ હજારનો દંડ ફટકાર્યો હતો. જેની સામે વસંત ગજેરાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. કેસની વિગત જોઈએ તો વેસુના જુના સરવે નંબર ૪૮૨ તથા નવા સર્વે નંબર ૨૮૦ વાળી જમીનના માલિક વજુભાઈ માલાણી છે. વસંત ગજેરા પર આરોપ છે કે તેણે અન્ય આરોપીઓ સાથે મળીને ગુનાહિત કાવતરું રચી ખોટા બોગસ વેચાણ દસ્તાવેજો બનાવીને જમીન પચાવી પાડી છે. આ ઉપરાંત તમામ બોગસ દસ્તાવેજો સાચા છે તેવું કહીને સરકારી કચેરીઓમાં અને કોર્ટમાં રજૂ કરી તેના લાભ મેળવ્યા છે. જેમાં સરકાર સાથે ગુનાહિત વિશ્વાસઘાત કરી સ્ટેમ્પ ડ્યૂટીની ચોરી કરી છે. આ ઉપરાંત વજુ માલાણીના દસ્તાવેજને ખોટા સાબિત કરવા માટે ખોટો પ્રાઇવેટ હેન્ડરાઇટિંગ એક્સપર્ટ નો અભિપ્રાય પણ ઉભો કર્યો છે. આ અંગે વસંત ગજેરા સામે વર્ષ ૨૦૦૩માં મદદનીશ પોલીસ કમિશનર એફ ડિવિઝન માં ફરિયાદ નોંધાયેલી છે. આ કેસમાં વસંત ગજેરા સામે સ્થાનિક કોર્ટમાં ચાર્જશીટ પણ દાખલ કરાયેલી છે. જેને રદ કરવા માટે વસંત ગજેરા એ હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેને હાઈકોર્ટે ફગાવી દીધી હતી. હવે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ કેસમાં વસંત ગજેરા એ ટ્રાયલનો સામનો કરવો પડશે.