(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૦
પાંડેસરા જીઆઇડીસીમાં આવેલી વડીલો પાર્જીત જમીન માટે બે ભાઇઓ સામસામે આવી એકબીજા પર હોકી અને લાકડાના ફટકા વડે હુમલો કરી એકબીજાને ઢોર મારમાર્યો હોવાની ફરીયાદો પોલીસ મથકમાં નોંધાઇ છે.
લિંબાયત ગોડાદરા સ્થિત રહેતા માતીવર શ્રીનારાયણ તિવારી અને ભેસ્તાન જીઆવ બુડીયામાં રહેતો તેમનો ભાઇ અખિલેશ શ્રીનારાયણ નામના બે ભાઇઓની પાંડેસરા ભેસ્તાન ખાતે ત્રણ પ્લોટ તેમના કાકા સુરજનાથ, જગન્નાથ અને રાજનારાયણના હતા. આ તમામ પ્લોટનો પાવર તેમણે અખિલેશ શ્રીનારાયણને આપ્યો હતો. પરંતુ માતીવર શ્રીનારાયણે આ પ્લોટો પર કબજા કરી પોતાનું ખાતુ ચલાવતો હતો. જેમાં અખિલેશને ખાતામાં પ્રવેશ કરવા દેતો ન હતો. જેથી બંને ભાઇ વચ્ચે ૨૦૦૫થી આ પ્લોટ બાબતે ઝઘડાઓ ચાલ્યા કરે છે. તે દરમ્યાન ફરીથી તા.૧૯મી ઓગસ્ટના રોજ અખિલેશ પોતાનો પુત્ર અંકીત, કાકા રાજનારાયણ, અખિલેશની પત્ની મનોરમા, પુત્રી રેશ્મા ઉર્ફે ડિમ્પલ સંદીપ તિવારી તથા મોટર સાઇકલ પર રમાશંકર પરષોતમ યાદવ, રાજેશ ઉર્ફે મુન્ના, સુમિત સહિત ૧૦ બાઇક પર ૩૦થી વધુ લોકો હાથમાં હોકી અને લાકડાના ફટકા લઇને માતીવરના ખાતામાં ઘૂસી ગયા હતા. ત્યાં હાજર તેમના બે દિકરા નવિન અને નિર્ભય ઉપર લાકડાના ફટકા અને હોકી વડે તૂટી પડ્યા હતા. બંનેને ઢોર માર મારી ગંભીર ઇજા પહોંચાડી કારખાનામાં તોડફોડ કરી હતી. જેને લઇને ઉશ્કેરાયેલા માતીવર તિવારી પોતાની પત્ની શ્યામકુમારી, પુત્ર નવિન, નિર્ભય સહિત બીજા બે વ્યકિતઓ સાથે લાકડાના ફટકા લઇને અખિલેશના કારખાનામાં ઘૂસી ગયા હતા. ત્યાં હાજર અખિલેશના પુત્ર અંકીત તથા અખિલેશને હોકી અને લાકડાના ફટકાથી મારમારી ગંભીર ઇજા પહોંચાડી હતી. જેને લઇને ભેસ્તાન વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જેને લઇને પોલીસ દોડી આવી હતી. પોલીસે બંને ભાઇઓની સામસામે ફરિયાદ લઈ રાયોટીંગ અને મારામારીનો ગુનો નોંધી તેઓની ધરપકડ કરી છે.