(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૯
શહેરના માન દરવાજા પાસે આવેલા પ્રજ્ઞા નગરમાં રહેતા સૈલાષભાઇ રમેશભાઇ રાઠોડ પાનનો ગલ્લો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તારીખ ૧૭-૦૨-૨૦૧૯ ના રોજ રોહિત દીલીપભાઇ રાઠોડ (રહે. – પદ્માનગર માનદરવાજા), આકાશ ભરતભાઇ આહીર (રહે. – ઘર નં. ૧૬૬ ગલી નંબર ૬ પદ્માનગર માનદરવાજા) અને સની ઉર્ફે સતીયો સુધારક સોનવણે (રહે. – પદ્માનગર માનદરવાજા) સાથે બોલાચાલી થતા ચારેય ઇસમોએ ભેગા મળી શૈલેષને માર માર્યો હતો. જેથી શૈલેષે તમામ વિરુદ્વમાં સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેયની સામે એનસી નો ગુનો નોંધી ધરપકડ કરી હતી. પોલીસે ગતરોજ તમામને કોર્ટમાં હાજર કર્યા હતા. જ્યાં તેઓ જામીન પર છૂટી ગયા હતા. જામીન પર છુટતાની સાથે જ ચારેય ઘરે આવી તલવારો અને ચપ્પુ લઇ શૈલેષને શોધવા માટે નીકળી પડ્યા હતા. શૈલેષ માનદરવાજા પર આવેલા એસએમસી ટેનામેન્ટની પાછળ હતો ત્યાંરે ત્યાં જ ચારેય પહોંચી ગયા હતા અને અમારા વિરુદ્વમાં ફરિયાદ આપે છે તેમ કહીં ચારેય શૈલેષને ઢોર માર મારી શરીર પર ઉપરાછાપરી તલવાર અને ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. પાંચથી વધુ ઘા મારી તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી તમામ ફરાર થઇ ગયા હતા. જેથી આખરે શૈલેષ લોહીલુહાણ થઇ ઢળી પડ્યો હતો. શૈલેષને તાત્કાલિક સારનાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં શૈલેષની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો સલાબતપુરા પોલીસે ચારેય સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.