(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૯
સુરત જિલ્લા શિક્ષણ અધિકારી સામે વાલીઓએ નારાજગી વ્યક્ત કરી હતી. ડીઈઓ એચ.એચ.રાજ્યગુરૂ સામે વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. મેટાસ સેવન્થ ડે એડવન્ટીસ સ્કૂલ, તાપ્તી વેલી સ્કૂલ સહિતના સંચાલકો દ્વારા ખુલ્લેઆમ ડોનેશન ઉઘરાવવામાં આવતું હોવાનું વાલીઓએ જણાવ્યું હતું. પૂરાવા આપ્યા બાદ કાર્યવાહી કરવા માટે રજૂઆત કર્યા બાદ પણ પગલાં ભરવામાં આવ્યા નથી જેથી વાલીઓએ નારેબાજી કરી વિરોધ પ્રદર્શિત કરવાની ફરજ પડી હતી. વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારી સામે પણ ગંભીર આક્ષેપો લગાવ્યા છે.
ખાનગી શાળાઓની ફી બાબતે ચાલી રહેલી લૂંટના વિરોધમાં ઘણા સમયથી આંદોલન ચલાવી રહેલા વાલીઓએ એકઠા થઈને ડીઈઓ કચેરીએ હલ્લાબોલ કર્યું હતું. મેટાસ સ્કૂલના સંચાલકો દ્વારા ડોનેશનના નામે ઉઘરાવાતા રૂપિયા અંગેના ૩૭૪ પાનાના પૂરાવા, ડોનેશનની રિસિપ્ટ વાલીઓએ ડીઈઓને સોંપી છે તેમ છતાં ડીઈઓ દ્વારા આજદિન સુધી કોઈ પગલાં લેવાયા ન હોવાનું જણાવી વાલીઓએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, એફઆરસી અને ડીઈઓ એક બીજાને ખો આપી રહ્યા છે. ડીઈઓ ભ્રષ્ટાચારીઓને છાવરી રહ્યા હોવાનો વાલીઓનો આક્ષેપ કર્યો હતો. પ્રાઈવેટ સ્કૂલની ફી, ડોનેશન સહિતના મુદ્દે લડત ચલાવતાં વાલી ઉમેશ પંચાલે જણાવ્યું હતું કે, અગાઉ પણ અમે ડીઈઓ અને એફઆરસીમાં આ બાબતે ફરિયાદ કરી ચૂક્યા છીએ. કતારગામના ધારાસભ્યને પણ રજૂઆત કરી હતી પણ કોઈ નિવેડો આવતો નથી. એકબીજા ડિપોર્ટમેન્ટ પ્રશ્નને ટાળવાની કોશિશ કરી રહ્યા છે. સરકારની તપાસનું કામ વાલીઓએ કર્યું છતાં કોઈ પગલાં ન લેવાતાં ડીઈઓ કચેરીએ વાલીઓ એકઠા થઈને ગયા હતા પણ ડીઈઓ ગેરહાજર હતા. જેથી સંબંધિત વિભાગને અમારી રજૂઆત કરીને પોલીસ સ્ટેશન ગયા હતા. ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસ ઈન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, ઈન્વેસ્ટીગેશન બાદ એફઆઈઆર દાખલ કરવામાં આવશે. અમારી રજૂઆત નહીં સાંભળવામાં આવે તો વિદ્યાર્થીઓની પરીક્ષા બાદ અમે ડીઈઓ અને એફઆરસી કચેરી સામે ધરણાં પર બેસી જઈશું તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.