(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૩
થોડા દિવસ પહેલાં જ ઘૂવડ સાથે ટિકટોકનો વીડિયો બનાવવા મામલે વિવાદમાં આવેલ સુરતની ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ફરી વિવાદમાં આવી છે.ગઈકાલે રાત્રે સાડા નવેક વાગ્યે પર્વત પાટિયા પાસે તેના સાગરિત સાથે રઘુ ભરવાડ નામના યુવકને માથામાં ધારિયાના ઘા મારી જીલવેણ હુમલો કર્યો હતો જે અંગે રાત્રે પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી કિર્તી પટેલની ધરપકડ કરી છે.
આ અંગે પુણા પોલીસ પાસેથી મળતી વિગત મુજબ ટિકટોક સ્ટાર કિર્તી રણછોડ અડાજલા ઉર્ફે કિર્તી પટેલ (રહે.પુષ્પદર્શન એપાર્ટમેન્ટ પર્વત પાટિયા) દ્વારા થોડા દિવસ પહેલાં એક ટિકટોક બનાવ્યો હતો જેને લઈને રઘુ ભરવાડે તેના બે મિત્રો સાથે ગઈકાલે રાત્રે પર્વત પાટિયા પાસે કિર્તી પટેલને ધમકાવી હતી જેથી કિર્તી પટેલે તેના મિત્ર હનુ ભરવાડને બોલાવ્યો હતો બંને વચ્ચે ઝઘડો થયા હનુ ભરવાડે રઘુ ભરવાડને માથામાં ધારિયાના ત્રણેક ઘા મારી લોહીલુહાણ કરી નાસી ગયો હતો. બીજી બાજુ રઘુ ભરવાડને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બનાવ અંગે પોલીસે રઘુ ભરવાડના મિત્રની ફરિયાદ લઈ ટિકટોક સ્ટાર કિર્તી પટેલ અને હનુ ભરવાડ સામે હત્યાની કોશિશનો ગુનો દાખલ કર્યો હતો અને કિર્તી પટેલની ધરપકડ કરી હતી.
ઘુવડ સાથે વીડિયો બનાવતા વન વિભાગે દંડ ફટકાર્યો હતો
ધીમે-ધીમે વિવાદનો પર્યાય બની રહેલી કિર્તી પટેલે થોડા દિવસ પહેલાં પણ ઘુવડ સાથે વીડિયો બનાવ્યો હતો. જો કે, ગુજરાત સરકાર દ્વારા સંરક્ષિત પ્રાણીઓની કેટેગરીમાં ઘુવડ આવતું હોવાથી સુરત વનવિભાગે ૨૫ હજારનો દંડ ફટકાર્યો હતો.